વાપી મોરાઇ સ્થિત એક પેપર મિલમાંથી કોલસાના ડસ્ટ નીકળતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો સહિત કંપની સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાપીના મોરાઇ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ મોરાઇ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત આર.એન.શેખ પેપર મિલમાંથી છેલ્લા ઘણા સમયથી કોલસાના ડસ્ટ નીકળવાના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે કંપનીને અડીને આવેલ દમણ હાટિયાવાડની કંપનીઓમાં પણ આ કાર્બન ઉડતા અંદર કામ કરતા કામદારોને તેની સીધી અસર પડી રહી છે. તેઓના જણાવ્યા મુજબ આ કાર્બનના કારણે અવારનવાર કામદારોની તબિયત બગડી રહી છે. જ્યારે કંપનીની બાજુમાં આવેલ ચાલીઓમાં રહેતા લોકો પણ ઉડતા કાર્બનથી હેરાન છે. જેથી આ પેપરમિલ દ્વારા તાત્કાલિક શેડથી કમ્પાઉન્ડ બંધ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. જ્યારે આજુબાજુની કંપનીના સંચાલકોએ આ અંગે જીપીસીબી, મોરાઇ ગ્રામ પંચાયત અને દમણ કલેક્ટરને ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે.
ધડાકો થાય તે રીતે અવાજ સંભળાતા બાળકો ડરી જાય છે
અગાઉ આ કંપનીથી કોઇતકલીફ પડતી ન હતી. છેલ્લા છ મહિનાથી કંપનીમાંથી ધડાકો થયો હોય તે રીતનાઅવાજ સંભળાતા બાળકો ગભરાય જાય છે . જે બેથી ત્રણ કલાક સુધી સંભળાતા કાનમાં રૂ ભરીને બેસવા મજબૂર છીએ. ડસ્ટ પણ ઘરોમાં આવતા પાણીમાં મિક્સ થઇ જાય છે. - અબીભાઇ, સ્થાનિક, હાટિયાવાડ
કામદારો બીમાર પડી રહ્યા છે
બાજુની પેપર મિલમાંથી કાર્બન ઉડવાના કારણે અમારી આખી કંપનીમાં ડસ્ટ આવી જાય છે. જેને અવારનવાર સાફ કરવાની ફરજ પડે છે. આ ડસ્ટના કારણે કંપનીના કેટલાક કામદારો બીમાર પડી રહ્યા છે. આજુબાજુની 10થી વધુ કંપનીના લોકો આ મિલથી કંટાળ્યા છે. - સોહિલભાઇ, કામદાર, શીતલ ઇલેક્ટ્રો
ફરિયાદ આવશે તો ચોક્કસ પણે કાર્યવાહી હાથ ધરાશે
મોરાઇની કંપની દ્વારા ડસ્ટ છોડવા અને અવાજ કરવા અંગેની ફરિયાદ મીડિયા દ્વારા જાણ થઇ છે. હાલ અમારી પાસે આવી કોઇફરિયાદ આવી નથી. પરંતુ કોઇ ફરિયાદ આવશે તો તાત્કાલિક કંપની સામે યોગ્ય પગલા ભરીશું. - રસીલાબેન સંજયભાઇ પટેલ , ઇંચાર્જ સરપંચ, મોરાઇગ્રામ પંચાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.