ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વાપી-સેલવાસ રોડ,જે ટાઇમ બ્રિજ, જીઆઇડીસી ચાર રસ્તાથી બલીઠા સુધી આરસીસી ગટર સહિતના પ્રોજેકટોના ખાતમુર્હુત થયું હતું,પરંતુ હવે કામગીરીમાં ઝડપ આવે તે માટે ગુરૂવારે ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગના અધિકારીની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી. જેમાં વાપી-સેલવાસ રોડની માર્કિંગની કામગીરી પૂર્ણ થતાં મકરસંક્રાંતિનાં બીજા દિવસથી કામગીરી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગરની ઓફિસ ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ અને વીઆઇએના હોદ્દેદારોની બેઠક મળી હતી.જેમાં વાપી ઓવરબ્રિજ,હાઈવેના બલીઠા, મોરાઇ, બગવાડા, કરમબેલી, જે-ટાઈપ, VIA ચાર રસ્તાથી કરવડ સુધી RCC રોડનું કામ અને જીઆઇડીસી ચાર રસ્તા ગોવિંદાથી બલીઠા સુધી RCC ગટરના પ્રોજેકટ માટે દરેક વિભાગીયના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને બોલાવી રૂબરૂ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તમામ અધિકારીઓને ઝડપથી કામગીરી ચાલુ કરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.વાપી-સેલવાસ રોડના કામમાં માર્જિનની કામગીરી પૂર્ણ થતાં 15 જાન્યુઆરીથી કામ ચાલુ થશે. જયારે હાલ જે ટાઇપ બ્રિજના પ્રોજેકટની માર્જિનની કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ હવે કામ ચાલુ થશે.ડ્રેનેજના પ્રોજેકટનું કામ ચાલુ થઇ ચુક્યું છે.
વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ પટેલ, VIAના માનદ મંત્રી અને વાપી નોટીફાઈડ ચેરમેન સતીષભાઈ પટેલ,વીઆઇએના એડવાઈઝરી બોર્ડ મેમ્બર અને ગ્રીન એન્વાયરોના નોમિનેટ ડાયરેક્ટર યોગેશભાઈ કાબરિયા, મિલનભાઈ દેસાઈ તથા નોટીફાઈડ એરિયા કમિટીના ચેરમેન અને નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અંડર ગ્રાઉન્ડ કેબલોથી કામને અડચણ
ગુરૂવારે સતત અઢી કલાક સુધી નાણામંત્રી અને સંબંધિત અધિકારીઓ વચ્ચે બેઠક ચાલી હતી.ખાસ કરીને વાપી ચારરસ્તાથી ચણોદ, કરવડના માર્ગની કામ અંગે સમીક્ષા થઇ હતી. જીઆઇડીસી ચાર રસ્તાથી ચણોદ સુધીના માર્ગ પર અંડર ગ્રાઉન્ડ પાણીની લાઇન,વિવિધ મોબાઇલ કંપનીના કેબલો,ગેસ લાઇન સહિતના પાઇપો, કેબલો આવેલાં છે. જેથી કામ કરનાર ખાનગી એજન્સીએ કોઇ કેબલો કપાઇ નહિ અને ટ્રાફિક સમસ્યા ન સર્જાઇ તે મુજબ કામ ચાલુ કરવાનું આયોજન કર્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.