આદેશ:કોરોના કેસમાં ઘટાડો નોંધાતા સંઘપ્રદેશ દાનહ-દમણમાં નાઇટ કફર્યૂ હટાવાયો

વાપી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં 200 અંતિમવિધિમાં 100 લોકોની મર્યાદિત સંખ્યા હજી યથાવત

સંઘપ્રદેશ દાનહમાં 15 અને દમણમાં હાલમાં 14 કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ રહ્યા છે. પ્રદેશમાં હાલમાં કોરોના સંક્રમની રફતાર ધીમી પડતા પ્રશાસને કોવિડ ગાઇડલાઇન મુજબ લાદેલા નિયંત્રણોને હળવા કર્યા છે તો સાથે જ પ્રદેશમાં લાગુ નાઇટ કફર્યૂ હટાવી દેવાતા લોકોએ રાહત અનુભવી છે. બીજી તરફ હજી પણ લગ્નપ્રસંગમાં 200 અને અંતિમવિધિ માટે માત્ર 100 લોકોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે. દમણમાં કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના કેસમાં એકદમ ઉછાળો આવતા દિવાળી પછી પ્રદેશમાં રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કફર્યૂ અમલમાં મુક્યો હતો.

આ ઉપરાંત અન્ય કેટલાક નિયંત્રણો પણ લાદી દેવામાં આવ્યા હતા. આખરે પ્રદેશમાં કોરોના સંક્રમણ દરમાં ઘટાડો નોંધાતા અને એક્ટિવ કેસની સંખ્યા પણ ખૂબ જ ઓછી થતાં ફરી એક વખત પ્રશાસને કેટલીક છૂટ આપી છે. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રશાસન દ્વારા ધોરણ 1થી 8 સુધીના વર્ગો ઓનલાઇન કરી દેવાયા હતા. જોકે, હવેથી નવી ગાઇડલાઇન મુજબ ધોરણ 1થી 8 સુધીના વર્ગોનું પુન: શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે.

જોકે, આંગણવાડી અને શિશુઘરોને હજી પણ બંધ રાખવામાં આવશે. જ્યારે હાટબજાર, થિયેટર, જીમ અને સ્પા, હોટલ અને રેસ્ટોરન્ટ, રીસોર્ટ પૂર્ણ ક્ષમતા સાથે ખોલી શકાશે. જોકે, સૌથી મહત્વનું એ રહ્યું છેકે, દમણમાં ખાસ કરીને શનિ અને રવિવારની રજામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવામાટે આવતા હોય છે. જોકે, વીકએન્ડમાં બીચ અને અન્ય પર્યટન સ્થળોને બંધ રખાતા નારાજગી જોવા મળી હતી. હવેથી તમામ દિવસોમાં બીચ અને અન્ય પર્યટક સ્થળોને ખુલ્લા રાખવા આદેશ કરવામાં આવ્યા છે.

બીજી તરફ વલસાડ સહિત ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા લગ્ન પ્રસંગ માટે વધુ છૂટ અપાઇ છે. જેમાં બંધ સ્થળોએ 150 ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગમાં 300 લોકોને છૂટ અપાઇ છે. કોરોનાના કેસો ઘટતા નિયંત્રણો પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે. જેથી આગામી સમયમાં ફરી બજાર ધમધમતુ થઇ જશે. જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...