સમસ્યા:ગામોમાં નેટવર્ક-પાણીની સમસ્યા, શહેરમાં પડતર પ્રશ્નો ચૂંટણીમાં મુખ્ય મુદ્દા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠકના મતદારોમાં વિકાસ, ધર્મ અને શિક્ષણ સહિતના મુદ્દાઓની પણ ચર્ચા ચાલી રહી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ડ ડાઉન શરૂ થઇ ગયુ છે.ઉમેદવારોએ પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. રાત્રીના સમયે ગુલાબી ઠંડીમાં ચૂંટણીને લઇ લોકોની ચર્ચાઓથી રાજકીય ગરમાટો વધી રહ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ગ્રાઉન્ડ રિપોર્ટ કરતાં અનેક મુદાઓ સામે આવ્યાં છે. કપરાડા અને ધરમપુર તાલુકામાં મોબાઇલ નેટવર્ક, પીવાના પાણી, આવાસ યોજના સહિત પ્રાથમિક સુવિધા સહિતના મુદાઓે અંગે મતદારો ચર્ચા કરી રહ્યાં છે.

જયારે શહેરી વિસ્તારમાં પણ વીજબીલ, ગેસના બોટલની કિંમત,પેટ્રોલ ડિઝલના સહિત રોજિંદા જરૂરિયાત ચીજ વસ્તુમાં ભાવ વધ) વધારો રોજગારીના મુદાઓની ચર્ચા થઇ રહી છે. રાત્રી દરમિયાન ગામોમાં એક થતાં લોકો 370ની કલમ,રામમંદિર,ધાર્મિક સ્થળોની કાયાપલટ સહિતના મુદે પણ ચર્ચા કરી રહ્યાં છે. મતદારોના મિજાજ અંગે 8 ડિસેમ્બરે મતગણતરીમાં જ બહાર આવશે. હાલ તો જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલમાં ગરમાટો આવી રહ્યો છે.

વલસાડ : માછીમારોનોે પ્રશ્ન ન ઉકેલાતા નારાજગી યથાવત
વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં રહેતા માછીમારોના કેટલાક પ્રશ્નો હજુ ઉકેલાયા નથી.જેમાં દરિયાઇ પ્રોટેકશન વોલ,જેટી સહિતના પ્રોજેકટો પૂર્ણ થયા નથી.ચૂંટણી પહેલાથી આ વિસ્તારમાં માછીમારોના મુદાઓ સૌથી વધુ ચર્ચામાં છે. ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોની જેમ વલસાડ તાલુકાના ગામોમાં મોબાઇલ નેટવર્કનો પ્રશ્ન છે. વલસાડમાં ભુગર્ભ ડ્રેનેજ યોજના સહિતના પ્રશ્નો ચર્ચામાં રહેશે.

પારડી : વાપીમાં ટ્રાન્સપોર્ટ નગરનો મુદો પડતર હોવાથી વધુ ચર્ચામાં
ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ટ્રાન્સપોર્ટ નગરનો મુદો ચર્ચામાં રહ્યો હતો. આ વખતે પણ વાપીમાં ટ્રાન્સપોર્ટ નગરનો મુદો ચર્ચામાં છે.ચૂંટણી પહેલા નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની જાહેરાત કરી દીધી હતી, પરંતુ લાંબા સમયથી ટ્રાન્સપોર્ટ નગર બની શકયું નથી. ટ્રાન્સપોર્ટ એશો.ના હોદેદારોના મતે અમને ખાતરી મળી છે જેથી આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એવી અમને આશા છે. જો કે છેલ્લા બે મહિનામાં અનેક મોટા પ્રોજેકટો શરૂ થયા છે, પરંતુ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે.

કપરાડા : ડાંગરના પાકને નુકસાન બાદ સરવેનો મુદો પણ આગળ
ધરમપુર અને કપરાડામાં સૂચિત ડેમો, પાણીની સમસ્યા, ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ નેટવર્કનો પ્રશ્ન અંગે લોકોમાં ચર્ચા છે. આ સાથે ડાંગરના પાકને નુકસાન માટે સરવે થયો હતો, પરંતુ અનેક ખેડૂતોને હજુ વળતર મળી શકયું નથી. જેથી ખેડૂતો સરકાર સમક્ષ વળતરની માગ કરી રહ્યાં છે. જો કે કપરાડામાં એસ્ટોલ યોજનાથી પહાડી વિસ્તારમાં પાણી પહોંચાડવાની યોજનાથી લાભ થશે એવું લોકો જણાવી રહ્યાં છે. પરંતુ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરાઇ તેવી માગ પણ લોકોમાં જોવા મળી રહી છે.

ઉમરગામ : વાણિજય નહિ પરંતુ મત્સ્ય બંદર બનાવવાનો મુદો ચર્ચામાં
ઉમરગામમાં બંદર આવવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલે છે. પરંતુ હાલ સ્થાનિક માછીમારો વાણિજય નહિ પરંતુ મત્સ્ય બંદર બનાવવાની માગ કરી રહ્યાં છે. નારગોલ, ફણસા,મરોલી સહિતના કાંઠા વિસ્તારના માછીમારો વ્યવસાય માટે પોરબંદર,વેરાવળ સુધી જવું પડે છે. જેથી ઉમરગામમાં મત્સ્ય બંદર બનાવવાની માગ ઉઠી રહી છે. આ ઉપરાંત આંબાવાડી સાથે સંકળાયેલા ખેડૂતોને પુરતા ભાવો મળતાં નથી. એપીએમસીની રચના તથા ખેડૂતોને પુરતા ભાવો મળે તે મુજબ આયોજન કરવાનો મુદો પણ હાલ ચર્ચામાં છે.

ધરમપુર : સૂચિત ડેમ અંગે હજુ પણ લોકોમાં મૂંઝવણ
કેન્દ્ર સરકારના રિવરલિંક પ્રોજેક્ટના વિરોધના કારણે સરકારે સ્થગિતની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ આદિવાસી સમાજના આગેવાનોએ શ્વેતપત્ર બહાર પાડી જાહેરાત કરવાની માગ કરી હતી. જેના કારણે સૂચિત ડેમ અંગે અનેક મતદારોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે. આ સાથે મોબાઇલ નેટવર્કની સમસ્યા અંગે સરકારમાં અનેક રજૂઆતો થઇ છે.નાણામંત્રીએ 500 ટાવર નાખવાની જાહેરાત કરી છે,પરંતુ લોકોમાં આ મુદાની હજુ પણ ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...