દમણ જિલ્લા પંચાયતનો પ્રમુખ એ તેના ભાઇની ગુરૂવારે દમણ પોલીસે ખંડણી અને ધમકી કેસમાં ધરપકડ કરી હતી. સ્કેપના વેપારી પાસેથી કંપનીના ભંગાર ઉઠાવવા અને ધંધો કરવા દર મહિને 20 હજારની માંગણી કરતા ફરિયાદ કરાઇ હતી. આ કેસમાં બંને ભાઇને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો બીજી તરફ શુક્રવારે નવિન પટેલને જિ.પં. પ્રમુખ પદ અને સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
દમણના દલવાડા ખાતે એક કંપનીમાં ભંગારના વ્યવસાય કરતા વાપીના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ માસ અગાઉ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલે તેને ભંગારનો ધંધો કરવા માટે અને કંપનીમાંથી ભંગાર વાપી લઇ જવા માટે દર મહિને હપ્તા પેટે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ત્રણ માસ સુધી તેણે હપ્તો પણ આપ્યા હતા. બુધવારે વેપારીએ કડૈયા પોલીસ મથકમાં દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન રમણભાઇ પટેલ અને તેના ભાઇ અશોક પટેલ બંને રહે.પ્રકાશ ફળિયા દલવાડા સામે ખંડણી અને ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
રિમાન્ડ દરમિયાન અન્ય કયા વેપારીઓ પાસેથી અને કોના કહેવાથી તેઓ હપ્તા વસૂલી કરતા તે બહાર આવી શકે તેમ છે. અ ત્રે ઉલ્લેખનીય છે કે, સંઘ પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલી પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદનો પણ મહત્ત્વનો હોદ્દો ધરાવતા હોવાથી તેમણે અત્યાર સુધી આ હોદ્દાનો પણ દુરઉપયોગ કર્યો હોવાનું ફલિત થાય છે. જેને લઇ સંઘ પ્રદેશ દાનહ દમણ દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત સમગ્ર ભાજપની બોડીનું નામ કલંકિત થયું છે. આગામી દિવસોમાં આ સંઘપ્રદેશ ભાજપ માળખામાં ધરખમ ફેરફારની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. કારણ કે, નવિન પટેલ દ્વારા ભંગારના વેપારીઓ પાસેથી ઉઘરાવવામાં આવતી ખંડણી અંગે અન્ય હોદ્દેદારો અજાણ હોય તેવું અન્ય રાજકીય પંડિતો સ્વીકારી શકે તેમ નથી. જેની સીધી અસર માળખા પર વર્તાશે.
નિયમ મુજબ હવે નવિન પટેલ 5 વર્ષ સુધી ચૂંટણી નહી લડી શકે
દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તેના અને તેના ભાઇના 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. તો બીજી તરફ શુક્રવારે સરકારી નિયમ મુજબ કોઇ પણ ચૂંટાયેલો જન પ્રતિનિધી કોઇ ગુનાના આરોપમાં 24 કલાકથી વધુ કસ્ટડીમાં રહે તો તે હોદ્દા અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરાય તેનો અમલ કરાતા નવિન પટેલને જિ.પં. પ્રમુખ અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરતો હુકમ જિલ્લા પંચાયતના અધિકારીએ કર્યો હતો. નિયમ મુજબ હવે નવિન પટેલ 5 વર્ષ સુધી કઇ ચૂંટણી નહીં લડી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.