વાપી પાલિકા-ટાઉન પોલીસે ટ્રાફિક સમસ્યા અને દબાણ હટાવવા અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ પુરતી સફળતા મળી નથી. પાલિકાએ દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરી હતી, આમ છતાં સફળતા ન મળતાં પાલિકાએ વાર્ષિક 23 લાખનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપ્યો છે. હવે ખાનગી એજન્સી પાલિકા વિસ્તારમાં ટ્રાફિક અને દબાણો હટાવવાની કામગીરી કરશે. જો કે પાલિકાના કેટલાક સભ્યોમાં આ નિર્ણયથી અસંતોષ જોવા મળી રહ્યો છે.
વાપી પાલિકામાં તાજેતરમાં 3 માસમાં 1.50 કરોડનું પાણી લાઇન રિપેર ખર્ચ, સ્વિમિંગ પુલ પર કબજો લેવા બાબત,સફાઇ કોન્ટ્રાક્ટમાં વધારે નાણાં ચુકવવા સહિતના મુદ્દો વધુ ઉઠી રહ્યાં છે. ચૂંટણી નજીક આવતાં પાલિકાના વહીવટની પોલ છતી થઇ રહી છે. વાપી પાલિકાની ગત સામાન્ય સભામાં ખુદ શાસક પક્ષના સભ્યો જ વિરોધ પક્ષમાં આવી ગયા હતાં. ત્યારે ફરી વાપી પાલિકાએ વાર્ષિક 23 લાખનો દબાણ અને ટ્રાફિક માટે કોન્ટ્રાક્ટ આપતાં કેટલાક નગર સેવકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
બે વાહનો અને ડ્રાઇવર સહિતનો 10નો સ્ટાફ રહેશે
પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યુ હતું કે વાર્ષિક કુલ 23 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં ખાનગી એજન્સી ટ્રાફિક અને દબાણો હટાવવાની કામગીરી કરશે. આ માટે બે ડ્રાઇવરો સહિત કુલ 10 વ્યકિતનો સ્ટાફ રહેશે. જયાં જરૂર પડશે ત્યાં પોલીસનો પણ સહારો લેવામાં આવશે.
માણસોનો પગાર 12 લાખ સામે કોન્ટ્રાક્ટ 23 લાખનો
પાલિકાના નિષ્ણાતના જણાવ્યા મુજબ આ પ્રોજેકટમાં 10 માણસોનો સ્ટાફ લેવામાં આવશે. એક કર્મચારીનો પગાર અંદાજે 10 હજાર હોય તો 10 વ્યકિતનો વાર્ષિક પગાર 12 લાખ થાય છે.જેની સામે પાલિકાએ વાર્ષિક 23 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેથી આ રકમ વધુ હોવાની ચર્ચા પાલિકા વતૂર્ળમાં ઉઠી રહી છે.
તો પોલીસ વિભાગના હોમ ગાર્ડ-TRBના જવાનો ફાજલ પડશે
વાપી પાલિકાએ ટ્રાફિક કંટ્રોલ કરવા અને માર્ગ પરના ટ્રાફિકને અવરોધ રૂપ દબાણો દુર કરવા વાર્ષિક 23 લાખનો કોન્ટ્રાક્ટ આપતા હવે પોલીસ વિભાગ દ્વારા વાપી ટાઉનમાં ટ્રાફિક નિયમન માટે ફરજ ઉપર મુકેલા સંખ્યાબંધ હોમ ગાર્ડ અને ટીઆરબીના જવાનો ફાજલ પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.