વોર્ડ વાઇઝ એનાલિસીસ:વાપી પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો વોર્ડ નં. 2-9માં 12, સૌથી ઓછા વોર્ડ નં.10માં 5

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 વોર્ડ અને 44 બેઠકની ચૂંટણી માટે મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે
  • વધારે ઉમેદવારોથી મતોનું વિભાજન થવાની સંભાવના,ચૂંટણી જીતવા ઉમેદવારો કમર કસે છે
  • મૂંઝવણ|પાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરનાર આમ આદમી પાર્ટી કોને નડશે તે અંગે રાજકીય ચર્ચા

વાપી પાલિકાની 28 નવેમ્બરે યોજાનારી 11 વોર્ડની સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો વોર્ડ નં. 2 અને વોર્ડ નં.9માં છે. બંને વોર્ડમાં 12-12 ઉમેદવારો ચૂંટણી જંગ છે. જયારે સૌથી ઓછા ઉમેદવારો વોર્ડ નં. 10માં છે. અહી ત્રણ બેઠકો માટે 5 ઉમેદવારો મેદાને છે. કુલ 43 બેઠકો માટે 109 ઉમેદવારો ચૂંટણીજંગ છે. વધુ ઉમેદવારવાળા વોર્ડમાં મતોનું વિભાજન તથા ઓછા ઉમેદવાદવાળા વોર્ડમાં સીધા જંગ થવાની સંભાવના છે. પાલિકાની ચૂંટણી નજીક આવતાં હવે ધીમે-ધીમે રાજકીય માહોલમાં ગરમાટો આવી રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં હોય કોને નડશે તેની રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વોર્ડ નં.1,2,3માં બીજેપી, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ
પાલિકાના ચૂંટણીમાં વોર્ડ નં.1માં કુલ 11 ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપના 4, કોંગ્રેસના 4, અને ત્રણ આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. વોર્ડ નં.2માં કુલ 12 ઉમેદવારો પૈકી ભાજપના 4,કોંગ્રેસના 4 અને 4 આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. વોર્ડ નં. 3માં કુલ 11 ઉમેદવારો છે. જેમાં ભાજપના 4, કોંગ્રેસના 4 અને આપના 3 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

વોર્ડ નં. 4 અને 5માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થશે
વોર્ડ નં.4માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો યોજાનાર છે. અહી આમ આદમી પાર્ટી કે અપક્ષ ઉમેદવારો નથી. વોર્ડ નં.5માં કુલ 8 ઉમેદવારો છે. અહી પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળશે. વોર્ડ નં.6માં કુલ 10 ઉમેદવારો છે.જેમાં ભાજપના 4, કોંગ્રેસના 4,આમ આદમી પાર્ટીના 1 અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. વોર્ડ નં. 4 સિટિંગ પ્રમુખનો વોર્ડ ગણાય છે.

વોર્ડ નં. 7-8માં 11 ઉમેદવાર વચ્ચે તો વોર્ડ નં. 9માં ત્રિપાંખીયો જંગ
પાલિકાના વોર્ડ નં. 7માં કુલ 11 ઉમેદવારો પૈકી ભાજપના 4, કોંગ્રેસના 4, અને આમ આદમી પાર્ટીના 3નો સમાવેશ થાય છે. તેવી જ રીતે વોર્ડ નં.8માં કુલ 11 ઉમેદવારોમાં ભાજપના 4,કોંગ્રેસના 4 અને આપના 3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. વોર્ડ નં. 9માં 12 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ભાજપના 4, કોંગ્રેસના 4 અને આપ પાર્ટીના 4 ઉમેદવારો ચૂંટણી જંગમાં હોવાથી ત્રિપાંખીયા જંગ જોવા મળશે.

વોર્ડ નં.10માં ત્રણ બેઠકો પર ચૂંટણી, વોર્ડ નં.11માં 10 ઉમેદવારો ચૂંટણી લડશે
વાપી પાલિકાના વોર્ડ નં. 10 એટલે કે ભડકમોરા સુલપડ વિસ્તારની ચાર બેઠકો પૈકી એક બેઠક બિન હરિફ થઇ છે. બાકીની ત્રણ બેઠકો માટે 5 ઉમેદવારોમાં ભાજપના 3, કોંગ્રેસના 2 ઉમેદવારોનો સમાવેશ થાય છે. વોર્ડ નં. 11માં ભાજપના 4, કોંગ્રેસના 4 અને આપના 3 ઉમેદવારોના કારણે ત્રિપાંખીયા જંગના એંધાણ જોવા મળી રહ્યાં છે. વોર્ડ નં. 10 અને વોર્ડ નં. 11ના પરિણામ પર સૌની નજર મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...