વાપી સહિત વલસાડ જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો માટે આરોગ્ય વિભાગે સરવે ચાલી રહ્યો છે.ખાસ કરીને વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે સરવે કરવામાં આવે છે. જેમાં ગત વર્ષે કોરોના કાળમાં 7.72 લાખ સ્થળનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાંથી 18521 મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળ્યા હતાં. જયારે આ વર્ષે 3.99 હજાર સ્થળોનો સરવે કરાયો હતો.જેમાંથી 97 હજાર જગ્યાએ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળી આવ્યા હતાં.
વલસાડ જિલ્લામાં કોરોના બાદ અન્ય રોગો પર અંકુશ રહેતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. ચોમાસા પછી મચ્છરોના ઉપદ્રવ વધતાં રોગચાળો વધતો હોય છે. આ માટે આરોગ્ય વિભાગની ટીમો મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો સરવે કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોના સરવેમાં મોટો ફેરફાર જોવા મળે છે. ગત વર્ષે કોરોના કાળમાં થયેલા સરવેમાં વાપી સહિત વલસાડ જિલ્લાના 772554 સ્થળોએ સરવે કરાયો હતો. જેમાંથી 18521 સ્થળોએ મચ્છરોના ઉત્પત્તિ સ્થળો મળી આવ્યા હતાં. જયારે આ વર્ષે 399649 સ્થળોનો સરવે કરાયો હતો.જેમાંથી 97578 સ્થળોએ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મચ્છરોના ઉત્પત્તિ સ્થળો વધુ બહાર આવ્યાં છે. છેલ્લા 1 વર્ષમાં થયેલા આ સરવેમાં ગત વર્ષની સ્થિતિ કરતાં આ વર્ષે અલગ સ્થિતિ જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના મત્તે એક સાથે વરસાદ પડે તો મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઓછા રહેતા હોય છે. પરંતુ થોડા વરસાદ પડ્યા બાદ ન આવે તો ઉત્પત્તિ સ્થાનો વધી જાય છે.
ગત વર્ષે સરવે માટે લોકો ઘરમાં પ્રવેશ આપતા ન હતા, આ વર્ષે યોગ્ય સરવે
બે વર્ષમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થળોની સંખ્યામાં મોટો ફેરફાર છે. કારણ કે ગત વર્ષે કોરોનામાં લોકો ઘરમાં પ્રવેશ જ આપતાં ન હતાં. આ વર્ષે સરવે સરવે વ્યવસ્થિત થયો છે. જયાં જયા ઉત્પત્તિ સ્થળો મળ્યાં છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. > ડો.એસ.એસ.હક્ક, મલેરિયા અધિકારી ,વલસાડ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.