તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર તંદ્રામાં:વલસાડ જિલ્લામાં મૃત્યુ પામેલા ખેડૂત ખાતેદારોના 300થી વધુ પરિવારજનો વાવાઝોડાથી નુકસાનની સહાય મેળવવા નિસહાય

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક તરફ વારસાઇની કામગીરી બંધ, બીજી તરફ તાઉતેથી તારાજીની સહાય માટે વારસાઇ ફરજિયાત !
  • મામલતદાર ઓફિસમાં કોવિડ મહામારીને લઇ સેવા બંધ છે સાથે જ સર્વર પણ બંધ થતા ખેડૂતોને મહત્વના દસ્તાવેજો મળતા નથી, પેઢીનામું ચલાવી વારસદારોને સહાય આપવા માગ ઉઠી

વાપી, પારડી સહિત વલસાડ જિલ્લામાં હાલ વાવાઝોડામાં થયેલા નુકસાન અંગે સરવે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ કોરોના કાળમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવાજનો જમીનની વારસાઇની કામગીરી કચેરી બંધ હોવાથી કરાવી શકયા નથી. વાવાઝોડામાં નુકસાનની સહાય માટે વારસાઇ જરૂરી છે. જેથી અનેક ખેડૂત પરિવાજનો ચિંતામાં મુકાયા છે.

તંત્રએ આ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. બીજી તરફ વલસાડ જિલ્લાની પંચાયતોમાં સાતબારના અને આઠ(અ)ના ઉતારા ખેડૂતોને મળી રહ્યા નથી. ઓનલાઇન સર્વર બંધ હોવાથી મહત્વના દસ્તાવેજો ન મળવાથી વાવાઝોડાથી નુકસાનીના ફોર્મ ખેડૂતોને ભરવામાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લાભરના અનેક ખેડૂતોમાં નારજગી જોવા મળી રહી છે.

જિલ્લામાં કોરોના મહામારીમાં ઘણા ખેડૂતોના મૃત્યુ થયા છે.તાત્કાલિકમાં વારસાઈની કામગીરી થઇ શકે તેમ નથી. જેના કારણે ખેડૂતોની મુંઝવણ વધી છે. ખેડૂતોએ જણાવ્યુ હતું કે છેલ્લા બે માસ દરમિયાન કોરોનાની મહામારીમાં ખુબ જ મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે. જેમાં ખેડૂતોની સંખ્યા પણ વધારે છે. આ મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને જો ખેતીની નુકસાનીનું વળતર મળશે નહિ તો આ પરિવારોની આર્થિક પરિસ્થિતિ ઘણી જ કફોડી થઈ જશે.વાવાઝોડામાં નુકસાનની સહાય માટે વારસાઇની નકલ માગવામાં આવે છે.

રેવન્યુ તલાટી દ્વારા પેઢીનામું બનાવવામા આવે તે હાલ તુરત ચલાવી વારસદારોને તાઉ તે વાવાઝોડામાં થયેલા નુકસાનીનું વળતર મળવું જોઈએ. હાલમા કોરોના કાળમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ છે. નુકસાની માટેના ફોર્મ ભરવા પ્રક્રિયા ચાલી રહી છે. વારસાઈની કામગીરી બાકી હોય તેમના નુકસાનીના ફોર્મ સ્વીકારવામાં આવતા નથી. ખેડૂતોના પરિવારોએ વારસાઈની કામગીરી માટે વારંવાર ધક્કાઓ ખાવા છતાં પણ વારસાઈની કામગીરી થતી નથી.

ફોર્મ ભરવાની મુદત લંબાવો, 7-12 - 8અ ઉતારા મળતા નથી
છેલ્લા દશ દિવસથી જિલ્લાના બહુધા પંચાયત તથા તાલુકા કક્ષાએ કોમ્પ્યુટર સેવા ઠપ થઇ છે. જેના કારણે જમીનને લગતા સાત-બાર તથા 8 અ ઉતારા મળતા નથી. આજે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તેવા સંજાગોમાં જમીન ઉતારા ન નિકળતાં ખેડૂતો જરૂરી સહાયથી વંચિત રહી જાય તેમ છે. જેથી નુકસાનીના ફોર્મ ભરવાની મુદ્તમાં લંબાવવામાં આવે તથા જિલ્લા ભરની તમામ પંચાયતોમાં તથા તાલુકા કક્ષાએ ઇન્ટરનેટ સેવા પુન: સ્થાપિત કરવાની માગ કરી હતી. > શશીકાંત પટેલ, પ્રમુખ, વલસાડ જિલ્લા ભારતીય સંઘ

આ સહાયમાં ખાતર-દવાનો ખર્ચો પણ નહીં નીકળે
તાઉ-તે વાવાઝોડામાં ખેતીના પાકને થયેલ એક હેક્ટર દીઠ 30 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. એક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા 60 હજારની મદદની જાહેરાત કરી છે. જોકે સરકારની આ સહાય મજાક સમાન છે. કારણ કે કેરીની ખેતી માટે ખેડૂતોએ મોંઘા ભાવની દવા અને ખાતર, દવાના છંટકાવ મજુરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થાય છે.જે સામે સરકાર દ્વારા અપાતી સહાયથી ખાતર કે દવા કે મજૂરી નો ખર્ચો પણ નીકળી શકે તેમ નથી.ત્યારે ખેડૂતો સરકારી વધારો કરવાની માગ કરી રહ્યા છે.> બચુભાઈ પટેલ, ખેડૂત ઉમરસાડી

કાચી એન્ટ્રી પાડી પ્રશ્ન હલ કરીશું
આ અંગે કિસાન સંઘની રજૂઆત આવી હતી. પેઢીનામુ સહિતના ડોકયુમેન્ટો સાથે ખેડૂતો મામલતદાર કચેરીમાં આવશે તો કર્મચારીઓને રાત દિવસ બેસાડી કાચી એન્ટ્રી પાડી દેવામાં આવશે. કાચી એન્ટ્રી નુકસાની વળતરમાં રજૂ કરી શકાય છે. જેથી સહાયના ફોર્મમાં ખેડૂતોને તકલીફ પડી શકે નહિં. > એન.સી.પટેલ, મામલતદાર

અન્ય સમાચારો પણ છે...