કાર્યવાહી:જિલ્લા-સંઘપ્રદેશમાં મોબાઇલ ચોરનાર- ખરીદનાર ઝડપાયા

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ ફોન ખરીદનારને પણ પકડ્યો
  • બે ઈસમો પાસેથી રૂ.1.92 લાખનો માલ કબજે

વલસાડ જિલ્લા તેમજ સેલવાસમાં મોબાઇલની ચોરી કરી ફરાર થનારો આરોપી એસઓજીના હાથે ઝડપાયો છે. પોલીસે ચોરીનો ફોન ખરીદનાર દુકાનદારને પણ પકડી પાડી બંને પાસેથી કુલ રૂ.1.92 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્ચાર્જ જિલ્લા એસપી રૂષિકેશ ઉપાધ્યાયની સુચના તેમજ એસઓજી પીઆઇ વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ એએસઆઇ પ્રવિણ કિરશનભાઇ, પો.કો.સહદેવસિંહ રાજેન્દ્રસિંહ અને ટીમ ગુરૂવારે ભીલાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભીલાડ ક્રિસ્ટલ ઇન હોટેલ પાસેથી આરોપી ફૈયાઝ અહેમદ નુરૂલ હોદા સૈયદને બીલ વગરના 3 ફોન સાથે પકડી પાડી પુછપરછ કરતા તેણે જણાવેલ કે, વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારો તેમજ સેલવાસથી મોબાઇલની ચોરી કરી આ ફોન ભીલાડ ફાટક પાસે રીઝવાન મોબાઇલ શોપના રીઝવાન ઇકબાલ ખાનને વેચી દેતો હતો. જેથી પોલીસે રીઝવાન પાસેથી 4 ફોન અને ફૈયાઝ પાસેથી 3 ફોન મળી કુલ રૂ.1,67,000 તથા એક મોપેડ કિં.રૂ.25000 મળી કુલ રૂ.1,92,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ રીતે ચોરી કરતો હતો
આરોપી ફૈયાઝ અહેમદ સૈયદ કોઇપણ મોબાઇલની દુકાનમાં જઇ નવો મોબાઇલ બતાવવાના બહાને દુકાનદાર પાસે ફોન માંગી લઇ તેને વાતોમાં પરોવી નજર ચૂકવી ફોનની ચોરી કરતો હતો. વાપી જીઆઇડીસી અને ટાઉનમાં પણ તેણે આ જ રીતે ફોનની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...