અભિયાન:જિલ્લાના 3.50 લાખ ઘરોમાં મેલેરિયા સર્વેલન્સની કામગીરી

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 104 પર ફોન કરી લોહીની તપાસ કરાવો

જુન માસ મેલેરિયા વિરોધી માસ તેમજ વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી અંતર્ગત ચોમાસાની સિઝન દરમ્યાન વાહકજન્ય રોગોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. જેને અટકાવવા માટે ચાલુ વર્ષે WHO દ્વારા વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનત્તમ સંવાદ હાથ ધરીએ-અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાની આશરે 18 લાખની વસ્તીના અંદાજીત 3.50 લાખ ઘરોમાં આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનો દ્રારા સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ મેલેરિયા અને ડેન્ગ્યુને અટકાવવા માટે જરૂરી કાળજી રાખવા અંગે જણાવ્યું કે, ઘર અને કાર્યસ્થળની આજુ-બાજુ પાણી સંગ્રહ કરવાનાં પાત્રો હવાચુસ્ત રીતે બંધ રાખવા, એ.સી.અને કુલરની ટ્રે તેમજ છોડના કુંડા, પક્ષીઓને પીવાના પાણીના કુંડા દર ત્રણ દિવસે સાફ કરવા, અગાસી અને છજામાં વરસાદી પાણી ન ભરાય તેની તકેદારી રાખવી, સિમેન્ટની ટાંકી, સીડી નીચે આવેલા ટાંકા, બેરલ પીપ વિગેરને ઢાંકીને રાખવા તેમજ આજુબાજુ ટાયર, ડબ્બા, બિનજરૂરી ભંગારનો નિકાલ કરવો, સંધ્યા સમયે ઘરના બારી દરવાજા બંધ રાખવા, મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો, પૂરુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં લીમડાનો ધુમાડો તેમજ મચ્છર વિરોધી અગરબત્તીનો ઉપયોગ કરવો, પાણીના મોટા સ્ત્રોતો જે ઢાંકી શકાય તેમ ન હોય તેમાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકાવવી. જો કોઇ વ્યક્તિને તાવ આવતો હોય તો ફીવર હેલ્પલાઇન નં.104માં ફોન કરવો અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવવી તેમજ રોગ અટકાયતી કામગીરી માટે આવતા આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોને જરૂરી સાથ સહકાર આપવો. આ કામગીરીને ઝુંબેશના રૂપે હાથ ધરી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રચાર પ્રસારની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...