દમણગંગા નદીના મધુબન જળાશય અત્યાર સુધી બે સંઘપ્રદેશ દમણ અને દાનહની સાથે વાપીના ઉદ્યોગ, સિંચાઇ અને પીવાનું પાણી પુરૂં પાડવા માટે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું હતું. જોકે હવેથી દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર મધુબન ડેમમાં વિદેશી માછલી જેની મહત્ત્વની ખાસિયત એ છે કે તે પાણી વિના પણ ત્રણ દિવસ સુધી જીવિત રહી શકે છે એનું મબલખ ઉત્પાદન કરીને બ્લૂ રિવોલ્યુશન તરફ આગળ વધી રહી છે. મધુબન જળાશયના અંદરના ભાગે એક ખાસ પ્લેટફોર્મ બનાવીને મૂળ વિયેટનામની પંગેસિયસ પ્રજાતિની માછલીનું દર મહિને 60 હજાર ટન ઉત્પાદન કરીને એક નવી ક્રાંતિ સર્જાય રહી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં દમણગંગા નદી ઉપર વલસાડ જિલ્લાનો સૌથી મોટો મધુબન ડેમ આવેલો છે. હાલ આ ડેમમાં થઇ રહેલી બ્લૂ કાંતિને લઇને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડના (NFDB)સહયોગથી બ્લ્યૂ રિવોલ્યુશન સ્કિમ હેઠળ મૂળ વિયેટનામની પ્રજાતિની પંગેસિયસ અને તિલાપિયા પ્રકારની માછલીઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. દર મહિને અંદાજે 60હજાર ટન માછલીઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ખાનગી કંપની આ માછલીઓનું ઉત્પાદન કરે છે. આ માછલીની વિશેષતા એ છે કે, તે ત્રણ દિવસ સુધી પાણી વગર રહી શકે છે.ડેમમાં માછલીના બીજ નાંખ્યા બાદ છ મહિને તૈયાર થાય છે. જોકે, શિયાળા અને ચોમાસાની સિઝનમાં ઉત્પાદન સમતા ઘટી જતી હોય છે.
નવી ટેકનોલોજીથી માછલીનો થતો ઉછેર, બીજ નાખ્યા બાદ 6 મહિને તૈયાર
મધુબન ડેમના વચ્ચોવચ 2500 કેજ બનાવીને ત્રણ ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવ્યા છે. એક કેજમાં 2500 માછલી પાલન કરી શકાય છે. માછલીના નાના બીજ લાવીને ડેમમાં નાંખીને પિંજરેનુમા સંરચના ટેકનીકથી માછલીનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત માછલીને છત્તીસગઢથી સંપૂર્ણ શાકાહારી ફીડ મંગાવીને આપવામાં આવે છે જેથી કરીને માછલીના શોખીનોને એક અલગ જ સ્વાદની અનુભૂતિ થાય છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં માછલીઓની વધતી માગ
સામાન્ય રીતે દરેક માછલીઓને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેને લાંબો સમય સુધી સુરક્ષિત રાખી શકાતી નથી. તેમ જ તેમને પૂરતો પૌષ્ટિક ખોરાક પણ આપવામાં આવતો નથી. જ્યારે આ માછલીઓને પૌષ્ટિક અને શુદ્ધ શાકાહારી ખોરાક આપવામાં આવે છે. એટલે માછલીઓ લાંબો સમય સુધી બગડતી નથી. એ મહત્ત્વના પાસાને ધ્યાનમાં રાખી ગુજરાતના વલસાડના મધુબન ડેમ સિવાય આસામ, ઝારખંડ જેવા રાજ્યોમાં પણ મચ્છી ખાનારા લોકોમાં આ માછલીઓની માગ વધી રહી છે.
નદી કાંઠાના 35 ગામલોકોને રોજગારીની નવી તક મળી
ડેમ કાંઠે વસેલા 35 ગામડાઓના મચ્છી મારી કરતા લોકો માટે પણ આશીર્વાદરૂપ છે. મચ્છી પાલન કરતી સંસ્થા ગ્રામ્ય લોકો સાથે સંકલન કરી તેમને હોલસેલ ભાવે માછલીઓ આપી તેમને રોજગાર આપી રહી છે. મચ્છી પાલનને લાઈવ ફિશ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. જોકે, અન્ય માછલીઓની જેમ આ માછલીઓનું પણ શિયાળામાં ઉત્પાદન ઘટે છે. આ ઉપરાંત ચોમાસામાં અઢી મહિના અહીં સતત વરસાદ વરસતો હોય તે સમયે માછલીઓનું જોઈએ તેવું પ્રોડક્શન મેળતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.