ઉમરગામ તાલુકાના કરમબેલા પરેટી બોરપી ફળિયા આદિવાસી કોલોની ત્રણ રસ્તા પાસે રહેતા કલ્પેશ રમેશ ધોડીએ 19 એપ્રિલ 2021ના રોજ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવારે કાકાનો છોકરો દિલીપ ચંદુભાઇ ધોડી તેની બાઇક લઇને કરમબેલા ગામ તરફ ગેસનો બુલો લેવા માટે નીકળ્યો હતો. તે સમયે આદિવાસી ત્રણ રસ્તા પાસે આરોપી રાજુ ધોડી ભાઇ દિલીપને ચપ્પુ લઇને માર મારતો દેખાઇ પડ્યો હતો. પેટ, ગળા અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે તેને વાપીની હરિયા હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ફરિયાદના આધારે ભીલાડ પોલીસે આરોપી રાજુ ધોડીની ધરપકડ કરી હતી.
આ કેસમાં વાપીના એડિશનલ સેશન્સ જજ કે.જે.મોદીએ આરોપી રાજુ પ્રભુ ધોડીને ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આઇપીસીની કલમ 302ના ગુનામાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા અને રૂ.5000 દંડ અને જો દંડ ના ભરે તો વધુ છ માસની સખત કેદની સજા સંભળાવી છે. જ્યારે મૃતકની પત્ની અને બાળકોને વળતર ચુકવવા કેસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને રીફર કરતો હુકમ કર્યો હતો. મૃતક દિલીપ ધોડીના ઘરે આવવા જવાનો રાજુના ઘરથી રસ્તો હોય રસ્તામાં કચરો પાણી નાંખવા ના પાડતા તેની અદાવત રાખી હત્યા કરી હતી.
બીજા કેસમાં ભીલાડ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને તેના ઘરેથી લગ્નની લાલચ આપી અપહરણ કરીને લઇ ગયા બાદ તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારનાર આરોપી સામે પિતાએ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યા બાદ શનિવારે વાપીના પોક્સો એક્ટ હેઠળના સ્પેશ્યિલ જજ કે.જે.મોદીએ કિશોરીનું અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચરનાર આરોપી માવજી દાના રબારી ને ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી આઇપીસી કલમ 363ના ગુનામાં 20 વર્ષની સજા અને કુલ્લે રૂ.15000નો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ન ભરે તો વધુના ત્રણ વર્ષની સજા સંભળાવાઇ છે. જ્યારે પીડિતાને રૂ.5 લાખ રૂપિયા વળતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.