વિશ્વ મહિલા દિવસ:સરકારી નોકરી છોડી મહિલાએ ધરમપુરના જંગલમાં શિક્ષણની જ્યોત જલાવી

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુરથી 40 કિ.મી. દુર મહારાષ્ટ્રની સરહદે પ્રાથમિક શાળાના બાળકોને આપે છે જીવનનું શિક્ષણ

જંગલો અને અંતરિયાળ વિસ્તારમાં જઇ સામાજિક કાર્યો કરવા છે એ વાત કરવી સહેલી છે, પરંતુ ગ્રાઉન્ડ પર જઇને કામગીરી કરવી ખુબ જ અઘરી હોય છે, ત્યારે એક મહિલાએ સરકારી નોકરી છોડી ધરમપુરથી 40 કિ.મી. દુર ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ખડકી ગામે શિક્ષણની જ્યોત જલાવી છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે ડિગ્રી કે નોકરીલક્ષી નહિ પરંતુ જીવનનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તેવા પ્રયાસો કરે છે.

મુળ વેડછીના અને હાલ ધરમપુરના જંગલમાં શિક્ષણ કામગીરીમાં અગ્રેસર સુજાતાબેન પ્રવિણભાઇ માધુરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુર્નિવસિર્ટીની હોસ્ટેલમાં છ વર્ષ રહ્યા હતાં. બીએસસી,એમએસસી અને બી.એડ. પ્રથમ વર્ગમાં પાસ કર્યુ હતું. એમ.એડ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુર્નિ.માં પૂર્ણ કરી વાલોડની હાયર સેકન્ડરી સ્કૂલમાં સરકારી નોકરી સ્વીકારી હતી. ચાર વર્ષ ધો.11,12 સાયન્સમાં ફિઝિક્સ ભણાવ્યાં બાદ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની કામગીરી કરવાનો વિચાર આવ્યો હતો.

નોકરીમાંથી રાજીનામું આપી વેડછી પ્રદેશ સેવા સમિતિ નામની સંસ્થા સાથે જોડાઇને ધરમપુરના ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં કામ કરવાનું નક્કી કર્યુ હતું. ધરમપુરથી 40 કિ.મી. દુર ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલાં ખડકી ગામે રહીને સર્વોદય પરિવાર ટ્રસ્ટના નેજા હેઠળ કામગીરી શરૂ કરી હતી. શરૂઆતમાં સ્કૂલ શરૂ કરવાની ઉમંરે કોઇ કારણસર નહિ ભણી શકેલા અને પ્રમાણમાં મોટા થઇ ગયેલાના વર્ગો ચલાવ્યા હતાં.

શરૂઆતના વર્ષોમાં ખડકી અને તેની આજુબાજુના આઠ-દશ ગામ-ફળિયામાં ગામની જિલ્લા પંચાયતની શાળામાં ભણતાં બાળકો માટે વધારાના શિક્ષકની વ્યવસ્થા કરી શાળા સિવાયના સમય દરમિયાન વર્ગશાળાઓ ચલાવી હતી. હાલે ધો.1થી 8ના 180 બાળકો છાત્રાલયમાં રહે છે. ગામની પ્રાથમિક શાળામાં ભણવા જાય છે.

શિક્ષણની સાથે આ સામાજિક કામગીરી કરી
35 ગામોમાં 339 ચેકડેમો બનાવ્યાં, અંદાજે 5700 એકર જમીનને ચેકડેમોના પાણીથી ફાયદો થયો,છેલ્લા 19 વર્ષમાં કુલ 670524 રોપા નર્સરીમાં ઉછેર્યા, 47 ગ્રામવનો બનાવ્યાં, વ્યાપક લોક શિક્ષણ અને લોકજાગૃતિનું કામ, દારૂબંધી માટેના સઘન પ્રયત્નો કર્યા છે.

વિદ્યાર્થીઓમાં શારિરીક, ભાવનાત્મક અને બૌધિક વિકાસ થાય તે જરૂરી
સુજાતાબેન જણાવે છે કે એવું શિક્ષણ આપવાના પ્રયત્નો કરીએ છીએ કે જેનાથી વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સિંચન થાય તેમજ તેમનો શારિરીક,ભાવનાત્મક અને બૌધિક વિકાસ થાય.તેઓ ફક્ત ડિગ્રી કે નોકરીલક્ષી શિક્ષણ નહિ પરંતુ પણ જીવનનું શિક્ષણ,સ્વ-નિર્ભરતાનું શિક્ષણ પામે છે.એવી પરિસ્થિતિ અને અનુકૂળતાં પુરી પાડવાની કોશિષ કરી રહ્યાં છીએ કે જેથી એમનામાનું આંતરિક દૈવત મ્હોરી ઉઠે અને આજના બાહ્ર વૈચારિક તેમજ સ્થૂળ આક્રમણો તેઓ ઝીલી શકે.

અન્ય સમાચારો પણ છે...