દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી અનેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઓદ્યોગિક એકમો સુધી પહોંચતા અંતરિયાળ માર્ગોમાં વરસાદી પાણી ભરાવાથી મોટા ખાડાઓ પડી ગયા છે. ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીઝ કલ્સ્ટરના માર્ગોને નવા ન બનાવતા દરવર્ષે ચોમાસમાં મોટા ખાડાં પડવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
ડાભેલ ચેકપોસ્ટથી એન્ટર થવાના માર્ગો, ગોલ્ડન એસ્ટેટ અને અગ્રવાલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી છે. જોકે, આ એસ્ટેટમાં જવાના તમામ માર્ગોની હાલત હાલમાં ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. ઉદ્યોગપતિ અને એકમોમાંથી માલ લોડિંગ અને અનલોડિંગ કરનારા ગુડસ વ્હીકલ્સના ચાલકોના જણાવ્યા મુજબ વર્ષોથી ઇન્ડસ્ટ્રીઝ એરિયાના માર્ગો બન્યા નથી જેને લઇને દર ચોમાસે મુશ્કેલી ભોગવવી પડે છે.
હાલમાં ડાભેલ અને સોમનાથ ત્રણ રસ્તા સુધીનો માર્ગને વધુ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે તો તેવા સંજોગમાં અંતરિયાળ માર્ગો પણ બનાવવા માટે માગ ઉઠી છે. ડાભેલ ઉપરાંત કચીગામ અને ભીમપોરમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં પણ અંતરીયાળ માર્ગોની હાલત સારી ન હોવાનું જાણવા મળે છે.
પ્રદેશમાં 2 હજારથી વધુ કંપનીઓ છે
સંઘપ્રદેશ દમણના કચીગામ-ડાભેલ અને ભીમપોર ખાતે અંદાજે 2 હજારથી વધુ કંપનીઓ આવેલી છે. જોકે, આ તમામ ઇન્સ્ટ્રીઝ વિસ્તારમાં માર્ગો ખરાબ હોવાથી ઉદ્યોગપતિઓમાં નારાજગી જોવા મળી રહી છે. દમણમાં પર્યટન ઉદ્યોગના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતુ હોય છે ત્યારે સરકારેને કરોડો રૂપિયાની રેવન્યુ દર વર્ષે રળી આપનાર ઉદ્યોગોને માળખાગત સુવિધા ન મળવાને લઇ નારાજગી પણ જોવા મળી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.