વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 9 જેટલા શંકાસ્પદ અને પોઝિટિવ લમ્પી વાઇરસના કેસો આવી ચુક્યાં છે, પરંતુ પશુપાલન વિભાગમાં સ્ટાફની ઘટના કારણે વેક્સિનેશન ધીમી ગતિએ થઇ રહ્યું હોવાની માહિતી મળી રહી છે. જિલ્લામાં કુલ 3.70 લાખ પશુઓ છે.
જે માટે 9 પશુચિકિત્સકના મહેકમ સામે હાલ 6 સેવા બજાવી રહ્યાં છે. કપરાડા તાલુકામાં 124 ગામો માટે માત્ર 1 પશુચિકિત્સક હોવાથી પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે વલસાડ જિલ્લામાં અન્ય જિલ્લાની તુલનાએ લમ્પી વાઇરસના કેસો ઓછા છે, પરંતુ કપરાડા અને ધરમપુર તાલુકામાં પશુચિકિત્સકની ઘટના કારણે પશુ પાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. પશુપાલન વિભાગના અધિકારીઓના મતે સરકારમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી નવા પશુચિકિત્સકની જિલ્લામાં ભરતી કે બદલી થઇ નથી.
કપરાડામાં 1.69 લાખ પશુ સામે માત્ર 1 ચિકિત્સક
કપરાડા તાલુકામાં પશુપાલન વિભાગનો સૌથી ઓછો સ્ટાફ છે. કપરાડા તાલુકામાં 1.69 લાખ પશુઓ વચ્ચે માત્ર 1 પશુ ચિકિત્સક છે. જેના કારણે પશુપાલકો હાલ લમ્પી વાઇરસના કારણે પશુઓને વેક્સિન મુકાવવા વાર વાર રજૂઆત કરી રહ્યાં છે, પરંતુ સતત વિલંબ થઇ રહ્યો છે. કપરાડાનો વિસ્તાર મોટો હોવાની સાથે સ્ટાફની ઘટના કારણે પશુપાલકોમાં નારાજગી વધી રહી છે. કપરાડામાં વેક્સિન માટે કોઇ આવતુ ન હોવાનો પશુપાલકો જણાવી રહ્યાં છે.
તંત્રની પાંજરાપોળને પ્રાથમિકતા
લમ્પી વાઇરસને અટકાવવા તંત્રએ જિલ્લાના પાંજરાપોળ સંચાલિત ગૌશાળાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. પાંજરાપોળની દરેક શાખામાં પશુઓ ભોગ નહી બને એ માટે પુરતી તકેદારી અનેે તૈયારી હાથ ધરવામાં આવી છે. પાંજરાપોળ સંચાલિત ગૌશાળાઓમાં વેક્સિન આપવાનું પણ શરૂ કરાયું છે. આ સાથે રખડતાં ઢોરને પણ વેક્સિન આપવામાં આવી રહી છે.
કેસથી 5 કિમીમાં વેક્સિનેશન
જિલ્લાના છ તાલુકામાં વેક્સિન આપવાનું ચાલી રહ્યું છે. ખાસ કરીને લમ્પી વાઇરસના શંકાસ્પદ કેસના સ્થળથી 5 કિ.મી.માં વેક્સિન આપવામાં આવી રહી છે. જિલ્લામાં 9 પશુચિકિત્સકની મહેકમ સામે 6 છે. બાકી માટે સરકારમાં રજૂઆત કરી છે. કપરાડામાં 1 પશુચિકિત્સક છે,પરંતુ અન્ય સ્ટાફ વેક્સિનની કામગીરી કરી રહ્યું છે. > પ્રવિણ દેસાઇ, અધિકારી ,પશુપાલન વિભાગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.