હાલાકી:વાપીમાં 1 માસમાં 3601 મિલકત ધારકો જ 15 ટકા વેરા વળતરનો લાભ લઈ શક્યા

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન સિસ્ટમ ધીમી ચાલતા હજારો લોકો વળતરના લાભથી વંચિત

રાજય સરકારે અમૃત મહોત્સવ અંતગર્ત 31 મે સુધી ઓનલાઇન મિલકત વેરો ભરનારને 15 ટકા વળતર આપવાની જાહેરાત કરી હતી, પરંતુ વાપી પાલિકામાં ઓનલાઇન સિસ્ટમ ધીમી ચાલતાં મિલકત ધારકોને હાલાકી પડી રહી છે. એપ્રિલ માસમાં માત્રને માત્ર 3601 મિલકત ઘારકોને 15 ટકા વળતરનો લાભ લીધો છે. 31 મે છેલ્લી તારીખ હોવાથી આ મહિને પાલિકા કચેરીમાં મિલકત ધારકોનો ધસારો વધુ રહેશે.

વાપી પાલિકાના વેરા વસુલાત વિભાગે રાજય સરકારના આદેશ મુજબ અમૃત મહોત્સવની ઉજવણી અંતગર્ત ઓનલાઇન વેરો ભરનાર મિલકત ધારકોને 15 ટકા સુધી વળતર આપવામાં આવી રહ્યું છે,પરંતુ ગાંધીનગરથી સર્વર ધીમુ રહેતાં વાપી પાલિકામાં ઓનલાઇન વેરો ભરવામાં વિલંબ થઇ રહ્યો છે. કુલ 82 હજાર મિલકત ધારકોમાંથી એપ્રિલ માસમાં માત્ર 3601 મિલકત ધારકો જ ઓનલાઇન 15 ટકા વળતરનો લાભ લઇ શક્યા છે. સિસ્ટમ ધીમી રહેતા મિલકત ધારકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

31 મે 15 ટકા વળતર માટેની અંતિમ મુદ્ત છે. પરંતુ સર્વર ડાઉન રહેવાના કારણે ખુદ કર્મચારીઓ પણ ત્રાહિમામ પોકારી રહ્યાં છે. મે મહિનામાં 15 ટકા વેરા વળતર માટે મિલકત ધારકોનો પાલિકા કચેરીમાં ધસારો વધુ રહેશે. સર્વર ડાઉનો પ્રશ્ર ઉકેલવવા પાલિકાના પદાધિકારીઓ ગાંધીનગર રજૂઆત કરે તેવી માગ ઉઠી રહી છે.

સરકારે બે પ્રોત્સાહક વળતર યોજના બનાવી છે
વાપી નગરપાલિકા વિસ્તારના મિલકત ધારકોને સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ માટે બે યોજના જાહેર થઇ હતી. જેમાં 31/5/2022 સુધીના અગાઉના વર્ષોના તમામ પ્રકારના વેરાની બાકી રકમ ભરપાઈ કરવાથી નોટીસ ફી/ વ્યાજ/ પેનલ્ટી/ વોરંટ ફી(20-21 સુધીના)ની 100 % રકમ માફ થશે.બીજી યોજનામાં અગાઉના વર્ષોનો તમામ બાકી વેરો ભરવાથી વર્ષ 2022-23ના મિલકત વેરામાં 1 એપ્રિલથી 31 મે સુધી 10% વળતર મળશે.ઈ-નગરની મોબાઈલ એપ કે ઓનલાઈન સીટીઝન પોર્ટલ પર અગાઉના વર્ષોનો તમામ બાકી વેરો ભરવાથી વર્ષ 2022-23ના વેરામાં 15% વળતર મળશે.

અન્ય સમાચારો પણ છે...