ગરીબોના વ્હારે:વાપીમાં હવે ગરીબ દર્દીઓને મફતમાં સારવાર-દવા મળશે

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 73મા જન્મદિને વાપીના તબીબ ડો.અંજનાબેન જોષીની અનોખી પહેલ

વાપીના જાણીતા ડો.અંજનાબેન જોષીએ તેમના 73મા જન્મદિને જરૂરિયાતમંદ તેમજ ગરીબ દર્દીઓ માટે પોતાના ક્લિનિકમાં મફત સારવારની સાથે સાથે દવા વિતરણ કરવાની સુવિધા શરૂ કરી જણાવ્યું હતું કે, સોમવારથી શુક્રવારે સાંજે બે કલાક માટે તેઓ ગરીબ દર્દીઓ માટે ક્લિનિક ઉપર હાજર રહેશે.

વાપીના ગોકુલ વિહાર ખાતે રહેતા અને વર્ષોથી તબીબી પ્રેક્ટિસ કરતા ડો.અંજનાબેન વી.જોષીનું 6 જુલાઇએ જન્મદિવસ હોવાથી કોઇ પાર્ટી ઉજવ્યા વગર તેમણે શનિવારથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક સુવિધા શરૂ કરવા જણાવ્યું હતું. ડો.અંજનાબેનના જણાવ્યા મુજબ દરરોજ સોમવારથી શુક્રવાર સુધી સાંજના 5થી 7 વાગ્યા સુધી તેઓ આવા દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે કે જેઓ પાસે દવા માટે પણ રૂપિયા રહેતા નથી.

આવા દર્દીઓની મફતમાં ચકાસણી કર્યા બાદ તેઓને મફતમાં જ દવા પણ આપવામાં આવશે. જેથી જરૂરિયામંદ દર્દીઓ વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી. શનિવારે આ ક્લિનિકના શુભારંભમાં વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ, બ્રહ્માકુમારીઝ વાપીના રશ્મીબેન, પ્રવીણાબેન શાહ, મંજૂલાબેન ઉકાણીએ ખાસ ઉપસ્થિતિ આપી મહિલા તબીબની આ કામગીરીને બિરદાવી હતી.

અગાઉ મફતમાં સલાહ આપતા હતા
ડો.અંજનાબેને પતિ ડો.વિજય જોષી સાથે વર્ષ 2002માં તેમના ગુરૂજીના નામે ક્લિનિક શરૂ કર્યા બાદ દર ગુરૂવારે દર્દીઓને મફતમાં યોગ્ય સલાહ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે દર્દીઓને દવા લખી આપતા તેઓ પાસે દવાના પૈસા પણ ન હોવાથી આ જન્મદિને તેમણે સલાહની સાથે મફતમાં દવા આપવા વિચારી આ કામગીરીની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...