ઔદ્યોગિક નગરી તરીકે જાણીતા વાપી શહેરમાં મૃતકોની અંતિમસંસ્કારની ક્રિયા માટે બલીઠા કે નામધા સુધી લંબાવવું પડતુ હતુ,પરંતુ વાપી વીઆઇએના સહયોગથી મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દમણગંગા નદી કિનારે રેસ્ટોરન્ટના લુક વાળા મુક્તિધામનું 2016-2017માં નિર્માણ કરાયુ હતું.પર્યાવરણની જાળવણીના ઉદેશ્ય સાથે તૈયાર થયેલા આ મુક્તિધામમાં સાડા ચાર વર્ષમાં કુલ 4382 મૃતકોને ગેસથી અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો છે. જેના કારણે 8.76 લાખ કિલો લાકડાનો બચાવ થયો છે. મૃતકોની અગ્નિસંસ્કાર નિ:શુલ્ક કરવામાં આવી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં સૌથી વધારે અગ્નિદાહ વાપી દમણગંગા કિનારે આવેલાં મુક્તિધામ ખાતે થયા હતાં. વર્ષ 2016-2017 માં વીઆઇએના માજી પ્રમુખ યોગેશભાઇ કાબરિયા તથા વીઆઇએની ટીમ દ્વારા પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ દમણગંગા નદી કિનારે મુક્તિધામ બનાવવાની પહેલ થઇ હતી. જીઆઇડીસી કચેરી અને નોટિફાઇડના સહયોગથી મુક્તિધામ સ્મશાનનું ખાતમુર્હુત થયુ હતું.
ત્યારબાદ મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટમાં વીઆઇએ પ્રમુખ ,સેક્રેટરી, કેટલાક મોટા દાતાઓ સહિત 13 આગેવાનનો સમાવેશ કરાયો હતો.વાપીના ઉદ્યોગકારો, સામાજિક આગેવાનોના દાનના સહયોગથી અંદાજે 4 કરોડના ખર્ચે મુક્તિધામ તૈયાર થયુ હતું.પર્યાવરણની જાળવણી સાથે તૈયાર થયેલા યુપીએલ મુક્તિધામમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 4382 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. જેના કારણે 876400 કિલો લાકડાનો બચાવ થયો છે.
મૃતદેહ પાછળ 300 કિલો લાકડાનું બળતણ
વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે ગેસથી અને લાકડાથી અગ્નિદાહમાં ઘણો ફરક પડે છે. એક વ્યક્તિના મૃત્યુ બાદ અગ્નિસંસ્કારમાં 200થી 300 કિલો લાકડાઓને બાળવા પડે છે. જયારે એજ મૃતકને ગેસથી અગ્નિસંસ્કાર આપવામાં આવે તો 8 થી 10 કિલો ગેસ વપરાતો હોય છે.ગેસથી અગ્નિસંસ્કારમાં પર્યાવરણનો બચાવ થઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.