દંડ:વાપીમાં રોંગ સાઇડથી સ્કૂલે જતા 18થી વધુ વાલી દંડાયા

વાપી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોલ્ડ કોઇન સર્કલથી જવાની જગ્યાએ ઓવરબ્રીજ નીચેથી જ ટર્ન મારીને જાય છે

વાપી ચલા સ્થિત સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ અને બુન મેક્સ સ્કૂલે જવા માટે કેટલાક વાલીઓ પોતપોતાના બાળકોને લઇ ઓવરબ્રીજ નીચેથી રોંગ સાઇડે વાહનો લઇને નીકળતા રોજ કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેને લઇ વાપી ટાઉન પોલીસે ગુરૂવારે રોંગ સાઇડથી આવતા 15 વાહનોને દંડ ફટકાર્યા હતા. જ્યારે 3 વાહનોને ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી ચલા વિસ્તારમાં આવેલ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ અને બુન મેક્સ સ્કૂલમાં આશરે 3000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેઓને સ્કૂલે પહોંચાડવા તેમજ પરત ઘરે લઇ જવા માટે કેટલાક વાલીઓ ઓવરબ્રીજ ઉતરતા પહેલા નીચેથી રોંગ સાઇડ થઇ સ્કૂલ તરફ રાઇટ ટર્ન મારતા હોય છે. જેને લઇ અવારનવાર કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેની અસર રેલવે ઓવરબ્રીજથી કોપરલી ચારરસ્તા અને છેક વૈશાલી ચારરસ્તાથી આવતા વાહન ચાલકોને થાય છે.

મળેલી માહિતી મુજબ સ્કૂલ તરફથી પણ વાલીઓ તેમજ રિક્ષા અને વાનના ચાલકોને રોંગ સાઇડથી આવવા જવા માટે ના પડાઇ હતી. આ સમસ્યાને ધ્યાને લઇ વાપી ટાઉન પીઆઇ બી.જે.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વિભાગના હેકો સર્જનસિંહ કિરણસિંહ તેમની ટીમ સાથે સ્કૂલ માર્ગ ઉપર ઉભા રહી રોંગ સાઇડથી આવતા 15 વાહનચાલકોને દંડ ફટકારી તેઓ પાસેથી રૂ.500 વસૂલાયો હતો. જ્યારે 3 વાહનોને ડિટેઇન કરી કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. રોંગ સાઇડથી સ્કૂલે જતી વખતે અચાનક પોલીસને જોતા વાહનચાલકોમાં ફફડાટ મચી જવા પામી હતી. આ સ્થળે સવારે અને બપોરના સમયે સૌથી વધુ ટ્રાફિકજામ સર્જાય છે.

ચલા સર્કલ પર 50 ચાલકો દંડાયા
ટાઉન પોલીસના ટ્રાફિક વિભાગે ગુરૂવારે ચલા ગોલ્ડ કોઇન સર્કલ ઉપર 50 વાહન ચાલકોને હેલ્મેટ વગર પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તમામ ચાલકો પાસેથી દંડની વસૂલી કરી ટ્રાફિક નિયમની સમજણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...