વાપી કબ્રસ્તાન રોડ ખાતે એક એપાર્ટમેન્ટ નીચે વીજ મીટરના બોક્ષમાં શોર્ટસર્કિટથી આગના કારણે ત્યાં પાર્ક કરેલી 4 બાઇક આગની ચપેટમાં આવતા સળગી ઉઠી હતી. મળસ્કે લાગેલી આગને લઇ બિલ્ડીંગના રહીશોમાં દોડધામ મચી હતી. જોકે ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
વાપી કબ્રસ્તાન રોડ ખાતે આવેલ અનમોલ એપાર્ટમેન્ટ નીચે રાખેલા વીજ મીટરો પૈકી એક મીટરમાં શોર્ટ સર્કિટથી રવિવારે મળસ્કે 3.15 કલાકે આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મીટરો પાસે પાર્ક કરેલી 4 બાઇકો પણ તેની ચપેટમાં આવી ગઇ હતી. જે બાદ ચારેય બાઇક સળગી ઉઠી હતી. મળસ્કે લાગેલી આગને લઇ બિલ્ડીંગના રહીશો તેમજ બાઇક માલિકોમાં દોડધામ મચી જવા પામી હતી.
બનાવની જાણ વાપી ટાઉન ફાયર વિભાગને કરતા તેઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. તે દરમિયાન અન્ય લોકો પોતપોતાની બાઇકને આગથી બચાવવા ત્યાંથી દૂર લઇ જતા નજરે ચઢ્યા હતા. કલાક બાદ આગ ઉપર કાબૂ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.