વન્ય પ્રાણીના સંવર્ધનમાં સફળતા:વલસાડ જિલ્લામાં દીપડાની સંખ્યા વધીને 42 થઈ, વર્ષ 2016ની ગણતરી મુજબ સંખ્યા 18 હતી

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષમાં માનવ પર હુમલાના 24 બનાવ, 104 પશુનો શિકાર કરાયો હતો

આજે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પર્યાવરણના જતનમાં જેટલું મહત્વ વૃક્ષો-જંગલોનું છે એટલું જ મહત્વ વન્યજીવો અને પ્રાણીઓનું પણ રહ્યું છે. લીલીછમ હરિયાળી અને વનરાજીઓથી શોભતા વલસાડ જિલ્લામાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વૃક્ષોનું વાવેતર તો કરવામાં આવે જ છે પરંતુ તેની સાથે વન્ય પ્રાણીઓની જાળવણી અને સુરક્ષા માટે પણ એટલા જ પ્રયત્ન થતા વલસાડ જિલ્લામાં દીપડાની સંખ્યા વર્ષ 2016માં 18 હતી જે વધીને વર્ષ 2019ની છેલ્લી ગણતરી મુજબ 42 થઈ છે. જેની સામે છેલ્લા 5 વર્ષમાં માનવ પર હુમલાના 24 બનાવ અને પશુધન શિકારના 104 બનાવ બન્યા હતા.

વલસાડ જિલ્લો દીપડા માટે આશ્રયસ્થાન બન્યો
મનુષ્ય અને પશુધનની સુરક્ષા માટે વલસાડ વન વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં માનવભક્ષી ગણાતા 8 દીપડાને પકડી અન્ય વિસ્તારના જંગલોમાં છોડવામાં આવ્યા છે. જેના કારણે માનવ પર હુમલાના બનાવ ઘટતા પ્રજાને રાહત થઈ છે. ચારે તરફથી વનઆચ્છાદિત ધરમપુર-કપરાડા અને ઉમરગામ તાલુકામાં ગીચ જંગલ, વાંસ અને શેરડીના ખેતરોનું પ્રમાણ વધુ હોવાથી વલસાડ જિલ્લો દીપડા માટે આશ્રયસ્થાન બન્યો છે. ઉનાળામાં જંગલ વિસ્તારમાં પીવાના પાણીના અભાવે દીપડા પાણી અને શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી પહોંચે છે.

છેલ્લા 2 વર્ષમાં જિલ્લામાં 2 દીપડા અને 7 મોરના મોત થયા
સૌથી વધુ 9 હુમલા વર્ષ 2018-19માં મનુષ્ય પર થયા હતા. જ્યારે 2021-22માં 5 હુમલા થયા હતા. છેલ્લા 2 વર્ષમાં જિલ્લામાં 2 દીપડા અને 7 મોરના મોત થયા છે. વન વિભાગ દ્વારા પૂનમની રાત્રે પ્લાસ્ટર ઓફ પેરીસના ઉપયોગ વડે જ્યાં પાણીના સ્ત્રોત હોય અને દીપડાની અવરજવર હોય તેવા વિસ્તારમાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવે છે પરંતુ છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે ગણતરી થઈ શકી નથી. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીનું સંવર્ધન થતા હાલ જિલ્લામાં 42 દીપડાની સાથે 11 ઝરખ અને 15 જંગલી ભૂંડ પણ જોવા મળી રહ્યા છે.

છેલ્લા 5 વર્ષમાં દીપડાએ મનુષ્ય- પશુઓ પર કરેલા હુમલા અને તંત્ર ચૂકવેલું વળતર
છેલ્લા 5 વર્ષમાં મનુષ્ય ઉપર દીપડાએ 24 હુમલા કર્યા હતા. જેની સામે સરકાર દ્વારા 1,36,500નું વળતર ઘાયલ વ્યકિતને ચૂકવાયું હતું. શિકારની શોધમાં આવી ચઢતા દીપડાએ 5 વર્ષમાં 104 પશુધનનો શિકાર કર્યો હતો. જેની સામે સરકાર દ્વારા પશુ પાલકોને 12,94,000 વળતર ચૂકવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...