વાપીના ચલા વિસ્તારમાં વોકિંગ ઉપર નીકળેલા વૃદ્ધને બે ગઠિયાએ CIDની ઓળખ આપી રૂમાલમાં દાગીના ઉતરાવી દાગીના લઇ બે ઇસમો બાઇક પર ફરાર થઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. વાપીના ચલા ખાતે પ્રમુખ એસ-3 મુક્તાનંદ માર્ગ પર રહેતા મતીશભાઇ પ્રહલાદભાઇ ઠક્કર ઉ.વ.51 વર્ષ 2016માં દમણની વીવીએફ કંપનીથી રિટાયર થયા હતા. મંગળવારે સવારે તેઓ ઘરેથી ચાલવા માટે મેરીલ કંપની ગયા બાદ પરત આવતા એક ઇસમ તેમની પાસે આવ્યો હતો અને જણાવેલ કે, બાઇક ઉપર બેસેલા ભાઇ તમને બોલાવે છે.
જેથી ત્યાં પહોંચતા સામાવાળાએ જણાવેલ કે, હું સીઆઇડી ક્રાઇમમાં પોલીસ તરીકે ફરજ બજાવું છું અને અહીં ચોરીના બનાવો ખૂબ જ વધી ગયા છે જેથી અહીં વોકિંગ કરતા લોકોને અમે જાગૃત કરીએ છીએ. તમે પહેરેલા દાગીના ઉતારી ખિસ્સામાં મુકી દો. દાગીના મૂકવા જતા બીજા ઇસમે હાથ રૂમાલ માંગી તેમાં દાગીના બાંધી આપું કહેતા દાગીના અને રૂમાલ તેને આપ્યા બાદ બંને ઇસમોએ વાતોમાં લાવી નજર ચુકવી દાગીના લઇ બાઇક હંકારીને ફરાર થઇ ગયા હતા. જે બાદ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા.
ગત માસે હાઇવે પર પોલીસની ઓળખ આપી લૂંટ કરાઇ હતી
ફેબ્રુઆરીમાં પારડી હાઇવે ઉપર વાપીના જીમ ટ્રેનર સહિત 4 ઇસમોએ બલીઠાના માતા-પુત્રની બાઇકને અટકાવી પોલીસ હોવાનું જણાવી માતા પાસેથી 3 લાખ ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. જેમાં વાપી કચીગામ રોડથી પોલીસે ત્રણની ધરપકડ કરી ચોથાને વોન્ટેડ જાહેર કર્યા હતા. એક માસ બાદ ફરીથી પોલીસના સ્વાંગમાં ગઠિયાઓ ચલાના વૃદ્ધ પાસેથી દાગીના લઇ ફરાર થયા છે.
પોલીસ દાગીના ઉતરાવતી નથી
આગળ મર્ડર થયું છે, મારામારી થઇ છે એમ કહી ગઠિયાઓ તમારી પાસેથી દાગીના ઉતરાવી રૂમાલમાં મૂકવા જણાવે છે. ત્યારબાદ રૂમાલ બદલી તેઓ ફરાર થઇ જતા હોય છે. પોલીસ દ્વારા વારંવાર જણાવવામાં આવે છે કે, કોઇપણ ઘટનામાં પોલીસ ક્યારે દાગીના ઉતરાવતી નથી. તે છતાં પોલીસના સ્વાંગમાં આવેલા ગઠિયાઓ પાસેથી છેતરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.