કાર્યવાહી:દારૂ કેસમાં કાર કબજે લેતા હપ્તા ન ભર્યા, ટોઇંગથી બચવા નંબર બદલ્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી ઇકો ચાલક રામસીંઘ - Divya Bhaskar
આરોપી ઇકો ચાલક રામસીંઘ
  • ગાડી ખેંચાય ન જાય તે માટે બોગસ નંબર પ્લેટથી ફરતા ચલાથી ઝડપાયો

દમણના ઇસમે હપ્તા ઉપર ઇકો કાર લીધા બાદ સ્કૂલ વર્ધીનું કામ કરતો હતો. એક વાર કારમાં દારૂ સાથે પકડાતા ગાડી પોલીસમાં જમા થયાના ત્રણ-ચાર માસ બાદ છોડાઇ લીધા બાદ હપ્તો ભરી ન શકતા છેલ્લા ત્રણ વર્ષથી ફાયનાન્સ કંપનીના કર્મીઓ તેની ગાડી ઓળખી જઇ ખેંચી ન જાય તે માટે ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો હતો. જે ચલા ચેકપોસ્ટ ઉપર પોલીસની વાહન ચેકિંગ દરમિયાન પકડાતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ચોરીના વાહનો ડિટેઇન કરવા જિલ્લા એસપી ડો.રાજદિપસિંહ ઝાલા તેમજ વાપી ટાઉન પીઆઇ બી.જે.સરવૈયાની સુચનાને ધ્યાને લઇ તેમની ટીમ મંગળવારે ચલા સ્થિત ડાભેલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી. તે સમયે દમણ તરફથી ઇકો કાર નં.જીજે-15-સીજી-5263 આવતા તેને અટકાવી અંદર ચકાસણી કરતા કોઇ પણ ગુનાહિત વસ્તુ મળી ન હતી.

પરંતુ ગાડીના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. ચાલક ઉપર શંકા જતા પોકેટ કોપ મોબાઇલ ફોનમાં કાર નંબરની ચકાસણી કરતા તેનો માલિક હિરેનભાઇ ભાનુશાલી રહે.સાંઇનંદન ટાવર છરવાડા રોડ વાપી નો હોવાનું બહાર આવ્યું હતું. જેથી ચાલકને વિશ્વાસમાં લઇ ફરી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, તેની ઇકો કારનો સાચો નં.ડીડી-03-જે-1759 છે. ફરીથી પોકેટ કોપમાં તપાસ કરતા તેનો માલિક આરોપી કારચાલક રામસીંઘ દેવચરણસીંઘ રહે.કાન્તીભાઇની ચાલ કુસુમ કિરાણા સ્ટોર્સ ડાભેલ નાની દમણ જ હોવાનું બહાર આવ્યું હતું.

ખોટી નંબર પ્લેટ લગાવવા માટે પૂછપરછ કરતા ચાલકે જણાવેલ કે, 3 વર્ષ અગાઉ તે કારમાં દારૂ સાથે પકડાયો હતો. જેમાં ગાડી પોલીસમાં જમા થઇ ગઇ હતી. ત્રણ ચાર માસ બાદ ગાડી છોડાવતા અગાઉથી હપ્તો બાઉન્સ થયો હતો અને ત્યારબાદ એક પછી એક કરી દેવું વધી ગયું હતું.

​​​​​​​ઇકો કાર ઉપર માહિન્દ્રા ફાઇનાન્સ વાપીની લોન ચાલુ હોય અને છેલ્લા ત્રણ વર્ષથી હપ્તા ભરેલ ન હોય અને ફાઇનાન્સર તેની ગાડી ખેચી લઇ જાય તે બીકે તેણે એક માસથી ગાડી ઉપર ખોટી નંબર પ્લેટ લગાડી ફરતો હતો. ગેરમાર્ગે દોરવા બદલ ચાલક સામે ઇપોકો કલમ 465, 471 અને 473 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...