લેખિતમાં અરજી:વાપીમાં TRB જવાનના કેસમાં યુવતીની SPને રાવ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેડતી થતાં બચાવવા બોલાવ્યો હતો

શનિવારે મોડીરાત્રિએ વાપી ટાઉન સ્થિત ઓવરબ્રિજની નીચે ધમાલ કરવાના કેસમાં ટીઆરબી જવાનની પોલીસે દારૂના કેસમાં ધરપકડ કરી હતી. જોકે, આ કેસમાં યુવતીએ એસપીને લેખિતમાં રજૂઆત કરી છેકે, કારમાં સવાર કેટલાક ઇસમોએ છેડતી કરતા ટીઆરબી જવાન મિત્ર થતો હોવાથી તેને મદદ માટે બોલાવ્યો હતો. વાપી ટાઉન સ્થિત ઝંડાચોક વિસ્તારમાં રહેતી યુવતિ પૂજાએ સોમવારે વલસાડ એસપીને લેખિતમાં એક અરજી આપી છે.

આ અરજીમાં જણાવ્યા મુજબ શનિવારે રાત્રે પૂજા અને તેમની મિત્ર સાથે દમણ ગઇ હતી. રાત્રિએ પરત ફરતાં મોડું થતા તેમણે ટીઆરબી જવાન વિશાલ સિંગને મદદ માટે બોલાવ્યો હતો. ત્રણેય જણાં બાઇક ઉપર ત્રિપલ સીટ સવાર થઇને વાપી આવી રહ્યા હતા ત્યારે સોમનાથ સર્કલ નજીક કારમાં સવાર કેટલાક ઇસમોએ યુવતિની છેડતી કરી હતી.

કાર ચાલકે વાપી ઓવરબ્રિજ નીચે કારને ઊભી રાખીને યુવતી અને ટીઆરબી જવાન સાથે મારામારી કરી હોવાનું જણાવ્યું છે. જોકે, આ બધી બબાલમાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાતા ટાઉન પોલીસ સ્થળ ઉપર પહોંચીને દારૂના નશામાં રહેલા ટીઆરબી જવાન વિશાલસિંગની ધરપકડ કરી હતી. આ મુદ્દે યુવતીએ એસપીને રજૂઆત કરીને જરૂરી તપાસ કરવા માગ કરી છે. ટીઆરબી જવાનની ટાઉન પોલીસે દારૂના કેસમાં ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...