હત્યા:દમણમાં પ્રેમ પ્રકરણને લઇ યુવકને માથામાં બોટલ- પથ્થર મારી હત્યા

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યા બાદ લાશને ભેંસલોર સ્ટોન ક્વોરીના જંગલમાં ફેંકી દેનારા બે ઝડપાયા

વાપી નજીકના દમણ બોર્ડર ઉપર વડોલીગામે રહેતા ગુમ યુવકની લાશ દમણના ભેંસલોર સ્થિત સ્ટોન ક્વોરીના જંગલમાંથી મળી આવી હતી. યુવકની હત્યા કરીને લાશને ફેંકી દેનારા બે આરોપીની ગુરૂવારે દમણ પોલીસે ધરપકડ કરી છે. બંને આરોપીએ પ્રેમ પ્રકરણને લઇને યુવકની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના અને હાલ દમણ બોર્ડર ઉપર આવેલા વાપી નજીકના વડોલીગામે રહેતા નાગેન્દ્રસિંહ રાજપૂતે 31મી ઓગસ્ટના રોજ દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પિતરાઇ ભાઇ 18 વર્ષીય શિવમસિંહ શિવશંકરસિંહ રાજપૂત 24મી ઓગસ્ટથી ગુમ છે અને તેમનો મોબાઇલ પણ સ્વિચ ઓફ હોવાથી કોઇ સંપર્ક થઇ શક્યો નથી. દમણ પોલીસે ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરતા શંકાના આધારે નાની દમણના ડાભેલ ઘેલવાડ ફળિયામાં રવિશંકર કૃષ્ણવિહારી પટેલ અને ડાભેલના તળાવ ફળિયામાં રહેતા રાજુ જગકિશન પટેલની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.

પોલીસની ઉલટતપાસમાં બંને આરોપીએ કબુલાત કરી હતી કે, 24મી ઓગસ્ટે શિવમસિંહ એમની સાથે જ હતો. રાત્રિએ બંને આરોપીએ સંદીપ બાર એન્ડ રેસ્ટોરન્ટથી શિવમને ભેંસલોર સ્ટોન ક્વોરીના ડમ્પિંગ એરિયામાં લઇ ગયા હતા. જ્યા જૂની અદાવત અને પ્રેમ પ્રકરણને લઇને શિવમ ઉપર બિયર અને પથ્થરથી માથાના ભાગે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સ્ટોન ક્વોરીના તળાવ પાસે ઝાડીમાં શિવમના મૃતદેહને ફેંકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે કબુલાતના આધારે બંને આરોપીની હત્યાના ગુનામાં ધરપકડ કરીને આરોપીના 5મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...