ચણતરના અભાવે ભણતરનો પાયો નબળો:2 વર્ષમાં પ્રાથમિક શાળાના 759 ઓરડા સામે માત્ર 65 બન્યાં, વિદ્યાર્થીઓ ઝાડ નીચે ભણવા મજબૂર

વાપી9 મહિનો પહેલાલેખક: કેતન ભટ્ટ
  • કૉપી લિંક
અભ્યાસના ઉત્સાહને લઇ વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે પણ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. - Divya Bhaskar
અભ્યાસના ઉત્સાહને લઇ વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે પણ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
  • વિકાસના દાવા પોકળ : વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ કહ્યું કે 2020-21માં નવા ઓરડાની સંખ્યા શૂન્ય
  • 5 વર્ષથી નવા ઓરડાઓ બનાવવાની માગ માત્ર કાગળ પર રહી, જનપ્રતિનિધિઓ પ્રશ્ન ઉકેલવા નિષ્ફળ

વલસાડ જિલ્લામાં 900થી વધુ પ્રાથમિક શાળામાં છેલ્લાં પાંચ વર્ષથી ઓરડાની ઘટ છે. જર્જરિત શાળાઓના કારણે કપરાડા-ધરમપુરમાં ઝાડ નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાંના દ્રશ્યો સામે આવી ચુકયાં છે. ત્યારે વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં 759 ઓરડાની ઘટ છે. બે વર્ષમાં 62 નવા ઓરડા બનાવામાં આવ્યાં છે. વર્ષ 2020-21માં એક પણ નવો ઓરડો બનાવવામાં ન આવ્યો હોવાની ચોંકવનારી માહિતી વિધાનસભામાં રજુ થઇ હતી.

તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં વલસાડ- નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પ્રશ્ન પુછયો હતો કે 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલા ઓરડાની ઘટ છે. તથા છેલ્લા બે વર્ષમાં કેટલા નવા ઓરડા બનાવામાં આવ્યાં છે ? જેના જવાબમાં રાજયના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં 759 ઓરડાની ઘટ છે. વર્ષ 2019-20માં 62 તથા 2020-21માં શુન્ય ઓરડા બનાવામાં આવ્યા હતાં.

બાકી ઓરડા આગામી વર્ષોમાં તબક્કાવાર ઝડપથી બનાવાશે એવો દાવો કરવામા આવ્યો હતો,પરંતુ કપરાડા અને ધરમપુર સહિતની પ્રાથમિક શાળાઓમાં જર્જરિત શાળાઓની સંખ્યા વધુ છે. મોટી દુર્ધટનાની દહેશતના પગલે વિદ્યાર્થીઓને ઝાડ નીચે બેસાડવામાં આવી રહ્યાં હોવાના દ્રશ્યો બહાર આવી ચુકયાં છે.

બાંધકામ ક્ષેત્રમાં 30 ટકા ભાવ વધતાં વિલંબ થઇ રહ્યો છે
વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ છે સાચી વાત છે, પરંતુ બાંધકામ ક્ષેત્રના સામાનના ભાવોમાં 30 ટકા વધારો થયો છે. જેથી કોન્ટ્રાકટરો કામગીરીની ના પાડી રહ્યાં છે. હાલ આ પ્રશ્ન ઉકેલાયો છે. જેથી કામગીરી શરૂ થશે. આગામી દિવસોમાં સ્માર્ટ ક્લાસ પ્રોજેકટના કારણએ ઓરડા બનાવામાં વિલંબ થઇ રહ્યો છે. > અલ્કાબેન શાહ, પ્રમુખ,વલસાડ જિલ્લા પંચાયત

109 ખાનગી શાળાઓમાં કંપાઉન્ડ વોલ જ નથી
જિલ્લામાં જિલ્લા પંચાયત સંચાલિત 900થી વધુ સરકારી પ્રા. શાળાઓ કાર્યરત છે. આ સાથે ખાનગી શાળાઓનો પણ રાફડો ફાટી નિકળ્યો છે. કપરાડા અને ધરમપુરની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડાની હાલત અતિ ખરાબ છે. ત્યારે જિલ્લાની ખાનગી શાળાઓમાં પણ સ્થિતિ સારી ન હોવાનો અહેવાલ બહાર આવ્યો છે.વિધાનસભામાં સરકારે આ અંગેની માહિતી રજુ કરી છે. જે મુજબ વલસાડ જિલ્લામાં 109 ખાનગી શાળાઓમાં કંપાઉન્ડ વૉલ નથી.નિયમ મુજબ દરેક શાળાને કમ્પાઉન્ડ વોલ હોવી જરૂરી હોવા છતાં જોવા મળતી નથી.

વાપી અને પારડી શહેરી વિસ્તારમાં પણ ઓરડાની ઘટ
વિધાનસભામાં રજુ થયેલી માહિતી અનુસાર વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ પડી રહી છે. વાપી,કપરાડા અને ધરમપુર તાલુકામાં સૌથી વધારે શાળાઓમાં ઓરડાની ઘટ છે. વાપી,પારડી શહેરી વિસ્તારમાં જર્જરિત શાળાના ઓરડા માટે સ્થાનિક ઔદ્યોગિક એકમો આગળ આવે તે જરૂરી છે.

અનેક પ્રોજેકટોના કારણે ઓરડા બનતાં નથી
શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પ્રાથમિક શાળામાં અનેક ફેરફારો અને નવા પ્રોજેકટો લાવવામાં આવી રહ્યાં છે. ઓરડાની ઘટનો પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો છે. પરંતુ સ્માર્ટ ક્લાસ પ્રોજેકટમાં વધુ બજેટ ફાળવામાં આવનાર હોવાથી ઓરડાની ઘટનો પ્રશ્ન ઉકેલાતો નથી. નવા પ્રોજેકટોની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ અમલીકરણમાં સમય નિકળી જતો હોય છે.

સુવિધાના અભાવે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઘટયા
વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ છે, જર્જરિત ઓરડાની મરામત કામગીરી કરવામાં આવતી નથી. પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભૌતિક સુવિધા વધારવાના દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ સ્થળ પર એટલે કે વલસાડ જિલ્લાની પ્રાથમિક શા‌ળાઓમાં ભૌતિક સુવિધા વધારવામાં સરકાર સદ્તર નિષ્ફળ સાબિત થઇ રહી છે. જેના કારણે વાલીઓ અને શિક્ષકોમાં પણ નારાજગી છે. સરકારે પ્રાથમિક શિક્ષણ પર ખાસ ભાર આપવાની જરૂર છે. પ્રાથમિક શાળામાં સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ સતત ઘટી રહ્યાં છે.

ઓરડા માટે રજૂઆતો છતાં ગંભીરતા નહિ
વલસાડ જિલ્લાના છ તાલુકામાંથી પ્રાથમિક શાળાના ઓરડા માટે વાર-વાર સરકારમાં રજૂઆત થઇ છે, ધારાસભ્યો પણ લેખિતમાં સરકારને રજૂઆત કરી રહ્યાં છે, બજેટમાં પણ ઓરડાની ફાળવણીનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે, પરંતુ ટેકનિકલ કે અન્ય કારણોસર 10થી 20 ટકા ઓરડાની ઘટનો પ્રશ્ન હલ થઇ રહ્યો છે. પરિમામે ઓરડાની ઘટની સંખ્યા વધી રહી છે.શાળા સંચાલક અને આચાર્ય દ્વારા પણ સમયાંતરે રજૂઆત કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...