કાર્યવાહી:વાપી ટાઉનના બોમ્બે ડાઇંગ શોપમાંથી ગેરકાયદે 5.48 લાખના ફટાકડા કબજે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનના ગોડાઉનમાં લાયસન્સ મેળવ્યા વિના સ્ફોટક વસ્તુ મુકાયા હતા

વાપી બજાર સ્થિત બોમ્બે ડાઇંગ ક્લોથ શોપમાંથી એસઓજીની ટીમે ગેરકાયદે રખાયેલા રૂ.5.48 લાખનો ફટાકડા કબજે લઇ બે દુકાનદાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દુકાનના ગોડાઉનમાં કોઇપણ સત્તાધીશનું લાયસન્સ મેળવ્યા વગર તેમજ ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર ગેરકાયદે રીતે અલક અલક પ્રકારના ફટાકડાના બોક્ષ રખાયા હતા

જિલ્લા એસઓજી પીઆઇ વી.બી.બારડ અને પીએસઆઇ એલ.જી.રાઠોડની સુચનાના આધારે તેમની ટીમ રવિવારે વાપી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન પો.કો.હસમુખ ગીગીભાઇને મળેલી બાતમીના આધારે વાપી ટાઉન મેઇન બજાર સ્થિત મહેતા મેડીકલની સામે બોમ્બે ડાઇંગ ક્લોથ શોપ નામની દુકાન ઉપર પહોંચતા ત્યાં બે ઇસમો હાજર હતા.

નામઠામ પૂછતા એક ઇસમે પોતાનું નામ ચાર્વાક સનત ભાવસાર ઉ.વ.36 અને બીજાએ પોતાનું નામ અંગદ સનત ભાવસાર ઉ.વ.40 બંને રહે.વાપી ચલા મુક્તાનંદ માર્ગ પ્રમુખ એસ-3 બિલ્ડીંગ નં.એસ-2 ફ્લેટ નં.902 માં રહેતા હોવાનું અને બંને સગા ભાઇઓ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે દુકાનના ઉપરના ભાગે જોતા ગોડાઉનમાં સ્ફોટક ફટાકડાઓનો જથ્થો પુઠાના બોક્ષોમાં જોવા મળ્યા હતા. જે રાખવા બાબતે કોઇ લાયસન્સ કે પરવાનો નહી હોવાનું જણાવી આ ફટાકડાઓ તેમણે ગઇ દિવાળીની સીઝનમાં વાપી પાલિકાના ગ્રાઉન્ડમાં સ્ટોલ રાખી વેચાણ કરવા માટે લાવેલા અને બચેલા ફટાકડાઓ ગોડાઉનમાં રાખ્યા હોવાનું જણાાવ્યું હતું.

કોઇ પણ અધિકારીનું લાયસન્સ મેળવ્યા વગર અને ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર આ સ્ફોટક ફટાકડાઓ કોઇ કારણસર વિસ્ફોટ થવાથી આજુબાજુમાં રહેતા લોકોની જીંદગી જોખમાય તે રીતે ગોડાઉનમાં રાખતા પોલીસે અલગ અલગ રૂ.5,48,980ના ફટાકડા કબજે લઇ બંને ભાઇને પકડી પાડી તેઓની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કલમ હેઠળ કાર્યવાહી કરાઇ
આરોપી ચાર્વાક સનત ભાવસાર અને અંગદ સનત ભાવસાર સામે એસઓજીએ સ્ફોટક અધિનીયમ 1884ની કલમ 9-બી(1), (બી) તથા ઇપીકો કલમ 286 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...