અપહરણની શંકા:દેગામના સરપંચ ઉમેદવારના પતિ અને વોર્ડ સભ્યના ઉમેદવાર ગુમ, પાંચ દિવસથી રહસ્યમય રીતે લાપતા થતા પરિવારજનો ચિંતિત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના માહોલમાં અચાનક રમણભાઈ ગુમ થઇ જતા અપહરણની ચર્ચાએ જોર પકડ્યું
  • પરિજનો ભોજન બાજુએ મૂકી રમણભાઈની ઘરે આવવાની રાહ જોઈને બેઠાં
  • ડુંગરા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

વાપી તાલુકાની 22 ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઇ હતી. જોકે, વાપી નજીકના દેગામમાં ચૂંટણી પૂર્વે છેલ્લા પાંચ દિવસથી મહિલા સરપંચના ઉમેદવારના પતિ તેમજ વોર્ડ નંબર 5ના સભ્ય ઉમેદવાર રહસ્યમય રીતે ગુમ થતા અપહરણ કરાયું હોવાની આશંકા પણ પરિવાર સેવી રહ્યું છે.

વાપી તાલુકાના દેગામ ગામે રહેતા અને 52 વર્ષના માજી સરપંચ રમણભાઇ મંગુભાઇ હળપતિ અગાઉ પાંચ વર્ષ સુધી દેગામ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા હતા. જોકે, આ ચૂંટણીમાં દેગામ ગ્રામ પંચાયતમાં સરપંચની મહિલા બેઠક અનામત આવતા રમણભાઇના પત્ની સવિતાબેન હળપતિએ સરપંચની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે પોતાની પુત્રીને વોર્ડમાં સભ્ય તરીકે અને પોતે પણ વોર્ડ નંબર 5માં સભ્ય તરીકે ઉમેદવારી કરી હતી.પરંતુ ગત તારીખ 16 ડિસેમ્બરના રોજ બપોરે તેઓ કામ અર્થે વાપી ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ તેમના જમાઈ તેમને કરવડ ગલી સુધી મુકવા આવ્યા હતા અને રમણભાઈને રીક્ષામાં બેસાડીને ગયા હતા. તે બાદ આજે પાંચ દિવસ પૂર્ણ થવા આવ્યા પરંતુ હજુ સુધી તેઓ ઘરે નથી આવ્યા કે ના કોઈ પરિવારજન સાથે તેમનો સંપર્ક થઇ શક્યો છે.

ચૂંટણીનો માહોલ હોવાથી અચાનક રમણભાઈ ગુમ થઇ જતા તેમના અપહરણની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ સતત એમનો મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો છે. જેને પગલે પરિવારજનો ચિંતામાં છે. તેમના ધર્મપત્ની સવિતાબેન હળપતિ જેઓ તાજેતરમાં ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર છે તેમની હાલત પણ ઠીક નથી. રમણભાઈના ગુમ થવાને કારણે છેલ્લા બે દિવસથી પરિજનો ભોજન બાજુ પર મૂકી અશ્રુભીની આંખે રમણભાઈની ઘરે આવવાની રાહ જોઈને બેઠાં છે.

આ સમગ્ર ઘટના બાબતે પરિવારના સભ્યો દ્વારા વાપીના ડુંગરા પોલીસ મથકમાં જાણકારી આપતાં હાલમાં પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ચૂંટણી પૂર્વે જ 16 ડિસેમ્બરના રોજ અચાનક માર્ગ પરથી ઘરે આવતા પૂર્વે તે ગુમ થયા, ક્યાંક ચાલ્યા ગયા, કે તેમનું અપહરણ થયું તે અંગે હજુ માત્ર તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતે વલસાડ જિલ્લા એસ પી રાજદીપ સિંહ ઝાલા ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ યોગ્ય તપાસ કરાવે એ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...