વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે,પરંતુ ખાસ કરીને હોળિકા દહન 6 માર્ચ સોમવારે કરવું કે 7 માર્ચ મંગળવારે કરવું તે અંગે લોકો હજુ પણ અવઢવમાં છે. કારણ કે 6 માર્ચે સાંજે 4.18 વાગ્યાથી પૂર્ણિમાનો પ્રારંભ થાય છે. જયારે 7 માર્ચ મંગળવારે સાંજે 6.18 કલાકે પૂર્ણિમા પૂર્ણ થઇ જાય છે. હોળીની ઉજવણી ફાગણ સુદ પૂર્ણિમાએ કરવામાં આવે છે. આ દિવસે હોળિકા દહન માટે પ્રદોષ (સંધ્યાકાળ) અને ચંદ્ર આવશ્યક છે.
પારડી સંસ્કૃત મહાવિદ્યાલયના નિયામક અને જયોતિષી ભાવેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે 6 માર્ચ સોમવારે સાંજે 06:53 મીનીટે સુર્યાસ્ત પછીનુ જ છે. માટે કોઇ સંશય અને શંકાને સ્થાન જ નથી.ઘણા લોકો કહે છે કે7 માર્ચ મંગળવારે હોળીકા દહન કરવું ? પરંતુ તેયોગ્ય નથી.કારણ કે હોળી રાતનો તહેવાર ગણાય અને એમાં પણ પુનમ હોવી જરૂરી છે.
જેથી પુનમ સોમવારે સાંજે 04:18 મિનિટથી શરૂ થાય છે,આખીરાત પુનમ મળે છે.જ્યારે મંગળવારે સાંજે 06:09 મિનિટે એકમ થઈ જાય છે અને ત્યારે સૂર્યાસ્ત 06:53 મિનિટે છે, આથી મંગળવારે સૂર્યાસ્ત પહેલા પૂનમ જ પુરી થઈ જાય છે.જેથી 07 માર્ચે હોળી કેમ પ્રગટાવી શકાય. જયારે લવાછાના ભવાની માતાના મંદિરના પૂજારી યોગેશભાઇ મહારાજે જણાવ્યું હતું કે સોમવારે સાંજે જ હોળિકા દહન કરવું જોઇએ. આ મુર્હુત જ યોગ્ય છે. ખાસ કરીને વાપી સહિત વલસાડ જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ 6 માર્ચ સોમવારે જ હોળિકા દહન થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.