ભાસ્કર વિશેષ:હવેથી માત્ર આધાર કાર્ડ નહિ પરંતુ તેને ઓનલાઇન વેરીફિકેશન કરીને જ હોટેલમાં રૂમ આપી શકાશે

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના દરેક હોટેલ સંચાલકો સાથે પોલીસે બેઠક યોજી યોગ્ય માહિતી આપી

વલસાડ જિલ્લામાં બનેલા જુદા-જુદા કેસોની તપાસ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકાળાયેલા ઇસમો ખોટા ઓળખના પુરાવા કે બીજી વ્યક્તિના પુરાવા તેમજ મોબાઇલ નંબર આપી ગેસ્ટ હાઉસ કે હોટેલમાં રોકાઇ ગુનો આચરી ફરાર થતા પોલીસે તમામ હોટેલ તેમજ ગેસ્ટ હાઉસના સંચાલકો સાથે બેઠક યોજી તેઓને યોગ્ય માહિતી તેમજ સુચનો આપી હતી.

જિલ્લામાં હાલ જ વાપીના પુષ્પમ જ્વેલર્સ પાછળ દુકાન ભાડે રાખી કેટલાક ઇસમો અંદરથી બાકોરુ પાડીને જ્વેલર્સ શોપમાં પ્રવેશી 65 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં મુખ્ય આરોપીએ દુકાનદારને માત્ર એક આધાર કાર્ડ આપી દુકાન ભાડે લીધી હતી. જે કોઇ બીજાના નામે હોવાનું જણાઇ આવે છે.

જ્યારે અન્ય કેટલાક હોટેલ અને ગેસ્ટ હાઉસમાં પણ ગુનાખોરો આ રીતે જ બીજાના નામના આધાર કાર્ડ અને મોબાઇલ નંબર આપી ત્યાં રોકાઇ જતા હોય છે. જેને લઇ રેન્જ આઇજી ડો.રાજકુમાર પાંડિયન, એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચનાને લઇ એસઓજી પીઆઇ વી.બી.બારડ, પીઆઇ બી.જે.સરવૈયા, પીઆઇ વી.જી.ભરવાડ અને પીએસઆઇ કે.જે.રાઠોડએ વાપી વીઆઇએ હોલ ખાતે સંચાલકો સાથે મીટિંગ યોજી તેમને યોગ્ય માહિતી અને સુચનો આપી હતી. તમામને ઓનલાઇન વેરીફિકેશન અંગે ટેક્નિકલ માહિતી આપવામાં આવી હતી.

સંચાલકોએ હવે આ વ્યવસ્થા રાખવી પડશે
દરેક ગ્રાહકના આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ નંબર મેળવી આધારકાર્ડ ઓનલાઇન વેરીફાય કરવી, તેમના પુરેપુરા સરનામા, વાહન નંબર તથા અન્ય વિગતો મેળવી ઓનલાઇન વેરીફાય કરી રોકાણની વ્યવસ્થા કરવી, પાર્કિંગ-રીસેપ્શન તથા ઇન-એક્ઝીટ એન્ટ્રી અને ડાઇનીંગ હોલ તથા હોટેલની અંદર આવવા જવાના રસ્તા તેમજ લીફ્ટમાં અતિ આધુનિક 3 મેગા પિક્સેલ કેમેરા જેમાં 30 દિવસનું રેકોર્ડીંગ રહે તે વ્યવસ્થા ગોઠવવી, પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રી અને રજીસ્ટરમાં કોલમવાઇઝ એન્ટ્રી કરવી, શંકાસ્પદ પ્રવૃત્તિ કરનાર ઇસમોની માહિતી તાત્કાલિક પોલીસને જાણ કરવી, કાયદાગીય જોગવાઇઓ - જાહેરનામાના બોર્ડ લગાવવા. જો આ સૂચનાનું પાલન હોટેલ તેમજ ગેસ્ટ હાઉસના સંચાલકો નહી કરે તો તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...