વિવાદ:હપ્તો ન આપતા વાપીના માજી તાલુકા પંચાયતસભ્યએ માર માર્યાની રાવ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરાઇના વેપારીને માર મારી જાનથી મારવાની ધમકી

વાપીના માજી તાલુકા પંચાયત સભ્ય સામે મોરાઇના કિરાણાના વેપારીએ હપ્તાના રૂપિયા ન આપતા ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. વાપી કચીગામ રોડ સ્થિત સાંઇબાબા મંદિરની સામે અરીહંત પ્રેસીડેન્સીમાં રહેતા રામલાલ ભાણારામ ચૌધરીએ રવિવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ વેલસ્પન કોલોની પાસે વડોલી ફળિયા કુંતામાં જય જલારામ કિરાણા સ્ટોરના નામે દુકાન ચલાવે છે.

રવિવારે દુકાનનો સામાન વાપી ટાઉનથી ગાડીમાં ભરી ડાભેલ રોડ દમણ થઇ દુકાને જતી વખતે ડાહ્યાભાઇના બંગલાની સામે વિજય ઇશ્વરભાઇ પટેલ રહે.વડોલી ફળિયા કુંતાએ ગાડી રોકી તુ હપ્તાના પૈસા ક્યારે આપવાનો છે કહેતા પૈસા નથી, હમણા ધંધો બરાબર ચાલતો નથી કહેતા જ વિજય પટેલે ઝઘડો કરતા ફરિયાદી દુકાને નીકળી ગયો હતો. જે બાદ વિજયે ત્યાં આવી ઝઘડો કરી ઢીકમુક્કીનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જોકે આ બાબતે તા.પં.ના માજી સભ્યએ જમાવ્યું હતું કે,હપ્તા લેવાની વાત જ નથી. જૂની અદાવતમાં બોલાચાલી થઇ હતી. હું પણ તેની સામે પોલીસ ફરિયાદ કરીશ. આ અંગે પોલીસે ફરિયાદીની અરજી લઇ ખરેખર હકીકત શું છે તે જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...