વાપી શહેરના વિકાસ નકશાને(ડીપી) 30 વર્ષ બાદ રાજ્ય સરકારે મંજૂરી આપ્યાં બાદ હવે પાલિકા દ્વારા સૌ પ્રથમ 5 પૈકી ટીપી સ્કીમ-1ની મંજુરી માટેની કવાયત હાથ ધરી છે.શુક્રવારે મળેલી ટીપી કમિટિની બેઠકમાં આ મુદે ચર્ચા થઇ હતી. ટીપી કમિટિએ ભલામણ કરતાં હવે 21 માર્ચ મંગળવારે ખાસ સામાન્ય સભામાં ટીપી સ્કીમ-1 માટે દરખાસ્ત કરી રાજય સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ રાજય સરકાર ફાઇનલ મંજૂરી આપશે.
વાપી પાલિકાની ટાઉન પ્લાનિંગ એન્ડ સિટી ઇમ્પ્રુવમેન્ટ સમિતિની શુક્રવારે મળેલી બેઠકમાં વાપી વિસ્તાર વિકાસ સત્તામંડળનું હદ વિસ્તારમાં સૂચિત નગર રચના યોજના-1 બનાવવા માટે મુખ્ય નગર નિયોજક નગર આયોજન અને મુલ્યાંકન વિભાગ ગાંધીનગરને મોકલવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટીપી કમિટીની ભલામણ બાદ હવે 21 માર્ચ મંગળવારે સવારે 11.30 કલાકે ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ કાશ્મીરા હેમલ શાહની અધ્યક્ષતામાં મળશે. ડીપી બાદ હવે સૌ પ્રથમ વખત ટીપી સ્કીમ માટે પાલિકાના પદાધિકારીઓએ કવાયત હાથ ધરી છે.
21 માર્ચે સામાન્ય સભામાં ટીપી સ્કીમ 1ના ઠરાવ બાદ રાજય સરકાર સમક્ષ મોકલામાં આવશે. ત્યારબાદ રાજય સરકાર દ્વારા ટીપી સ્કીમ -1ને મંજૂરી આપવામાં આવશે. ટીપી સ્કીમના અમલથી શહેરીજનોને લાભ થશે. માળખાકીય સુવિધામાં વધારો થશે.
આ પાંચ સ્થળોએ ટીપી સ્કિમની તૈયારી
કસ્ટમ રોડ જીએસટી ભવનથી રોફેલ કોલેજ, ડુંગરા સેલવાસની રોડની નીચે તરફ ત્રણ સ્થળોએ, ચલામાં મુકતાનંદમાર્ગ ડુંગર ફળિયા તરફનો માર્ગ એમ પાંચ સ્થળોએ પાલિકાએટીપી સ્કિમની તૈયારી પાલિકાએ શરૂ કરી છે.
શહેરીજનોને ફાયદો થશે
ટીપી સ્કીમથી માળખાકીય સુવિધામાં વધારો થશે. રોડ પહોળા બનશે. પ્લોટનું સુવ્યવસ્થિત આયોજન થઇ શકશે.રસ્તા,પાણી,ગટર, સ્ટ્રીટ લાઇટ, આંગણવાડી,લાયબ્રેરી સહિતની સુવિધા વધશે, જમીન માલિકોને પોતાના પ્લોટ (જમીન) અંગે સ્પષ્ટ માહિતી મળી રહેશે.સૌ પ્રથમ વખત વાપીમાં ટીપી સ્કીમને મંજુરી મળશે.> મિતેશ દેસાઇ, કારોબારી અધ્યક્ષ,વાપી પાલિકા
રિઝર્વ પ્લોટ મુકીને ગ્રેડ નક્કી થશે
પાલિકાએ પાંચ સ્થળોએ ટીપી સ્કિમના ઇરાદા જાહેર કર્યા છે. જેમાં ગ્રેડ પેર્ટન પ્રમાણે રોડ ડેવલોપમેન્ટ થશે. રિઝર્વ પ્લોટ ગ્રેડ કેટેગરી પ્રમાણે નક્કી કરાશે. જમીન કપાત અંગે બોર્ડમાં ફાઇનલ નિર્ણય લેવામાં આવશે.સરકારની મંજુરી બાદ જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.