કાર્યવાહી:વાપી કરવડના આગ કેસમાં ગોડાઉનના બંને માલિકો સામે FIR

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરવાનગી વિના ગોડાઉન ચાલતુ હતું

વાપીના કરવડ સ્થિત શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક પેપરના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી હતી. જે આગ ઉપર ફાયરના જવાનોએ કાબૂ મેળવ્યા બાદ પોલીસ તપાસમાં કોઇ પણ પરવાનગી વિના ગોડાઉન માલિકોએ આ જથ્થો ગોડાઉનમાં મૂક્યા હોવાનું બહાર આવતા તેઓ સામે પોલીસે બેદરકારી અને પ્રદુષણ ફેલાવવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વાપીના કરવડ ખાતે શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નં.10માં પેપરના ગોડાઉનમાં બુધવારે રાત્રે અચાનક આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. જેની જાણ ફાયર વિભાગને કરતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. સ્થળ તપાસ માટે પહોંચેલી ડુંગરા પોલીસે ચકાસણી કરતા ગોડાઉન માલિકોએ ગ્રામ પંચાયત તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ફાયર વિભાગ અને લાગતા વળગતા અન્ય સરકારી વિભાગોની મંજૂરી લીધા વગર પોતાના ગોડાઉનમાં પેપરનો જથ્થો મૂક્યા હોવાનું બહાર આવ્યું હતું.

કોઇ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર લોકોને ત્રાસદાયક તથા હાનિ, ભય, અડચણ પહોંચે તે રીતે સંપુર્ણ બેદરકારીથી કોઇ કારણસર આગ લાગતા લોકોની તંદુરસ્તીને નુકસાનકારક થાય તે રીતે આજુબાજુની જગ્યા તથા હવાને પ્રદુષિત કરી તથા પર્યાવરણને હાનિ થાય તેવું કૃત્ય કરી ગુનો કરવા બદલ પોલીસે સંચાલક અમિત ઓમપ્રકાશ પ્રજાપતિ રહે.રાતા શ્રીજી રેસીડેન્સી રૂમ નં.એ-25 તથા દુખાબંધુ મંદુલ દેહુરી રહે.ચણોદ શ્રીનાથજી પાર્ક સી-2 રૂમ નં.402 સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ કલમ-15 અને આઇપીસી કલમ 268,278,285 અને 290 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...