ધરપકડ:ઉમરગામમાં જન્મદિવસે કેક તલવારથી કાપતા 5 સામે FIR

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશ્યિલ મીડિયામાં વીડિયો વાયરલ થતા 4ની ધરપકડ

ઉમરગામમાં 5 ઇસમો દ્વારા જાહેરમાં બર્થ-કેકને તલવારથી કાપી જન્મદિવસની ઉજવણી કરતા પોલીસે તેઓ સામે જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 5 પૈકી 4 ઇસમોને પકડી પાડી એકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો.

ઉમરગામ પોલીસ મથકના પીઆઇએ અહેકો કમલેશભાઇ ધવલ્યાભાઇને શનિવારે જણાવેલ કે, ઉમરગામ વિસ્તારમાં કેટલાક ઇસમો જાહેરમાં તલવાર લઇને બર્થડે પાર્ટીમાં કેક કાપતા હોવાના સોશ્યિલ મીડિયામાં વીડિયો પ્રસારિત થયેલ છે. જે અંગે તપાસ કરવા કહેતા આ વીડિયો ઉમરગામ ચિત્રકુટ નુરી મસ્જિદની સામે રહેતા સલમાન સમીમખાનના ઘરના હોવાનું જણાઇ આવતા સલમાનની પૂછપરછ હાથ ધરાઇ હતી. તેણે પોલીસને જણાવેલ કે, 10 નવેમ્બરે તેના નાના ભાઇ ગુફરાન સમીમ ખાન ઉ.વ.12 નો જન્મદિવસ હોય કેક કાપવા માટે મુકેશ સંતોષગિરી રહે.ગાંધીવાડી ઉમરગામ પાસેથી તલવાર લઇ આવી મિત્ર અલી અહેમદ અલાઉદ્દીન ખાન, એજાજ અતીક ધોબી અને ઇમરાન અનવર હુસેન ની હાજરીમાં જાહેરમાં ખુલ્લી જગ્યાએ ભાઇએ તલવારથી કેક કાપી બર્થડેની ઉજવણી કરી હતી.

જે બાદ આ તલવાર સંતોષગિરીને પરત આપી દેવાયો હતો. પોલીસે પાંચેય આરોપી સામે જાહેરનામનો ભંગ બદલ ગુનો નોંધી આરોપી સલમાન, અલી અહેમદ, એજાજ અને ઇમરાનની ધરપકડ કરી તલવાર આપનાર આરોપી મુકેશને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

લોકોને જોઇ યુવાનોમાં ક્રેઝ વધ્યો
હાલ સોશ્યિલ મીડિયામાં બર્થ-ડે ઉજવતી વખતે કેકને તલવારથી કાપવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. જેને જોઇ યુવાનો તલવારથી જ કેક કાપીને તેનો વિડીયો સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે. જોકે, આ કૃત્યથી જાહેરનામાનો ભંગ થતો હોય પોલીસ આવા ઇસમો સામે પગલા ભરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...