વિવાદ વકર્યો:પારડી પાલિકામાં વોટર એટીએમની ફાઇલ જ ગુમ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોર્ટલથી ઓર્ડર આપ્યાં બાદ પણ સત્તાધિશો નિર્ણય લઇ શકતા નથી

પારડી પાલિકાએ શહેરમાં વોટર એટીએમ લાવવા અંગે કારોબારીમાં ઠરાવ બાદ સરકારની જીઇએમ પોર્ટલના માધ્યમથી ઓર્ડર આપ્યાં હતાં,પરંતુ હાલ વિવાદ વકરતાં એટીએમ વર્કઓર્ડરની ફાઇલ જ ગુમ થઇ ગઇ છે. જેથી આ વિવાદ વધુ વકર્યો છે. આ મામલાને થાળે પાડવા ભાજપ સંગઠને કવાયત કરી છે, પરંતુ હજુ સુધી પાલિકાના સત્તાધિશોએ વોટર એટીએમ કેટલા ખરીદવા તે અંગે ફાઇનલ નિર્ણય લઇ શક્યા નથી.

પારડી પાલિકાએ વોટર એટીએમનો નવતર પ્રયોગ અંતગર્ત વોટર એટીએમ સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હોદેદારો અને સભ્યોના આંતરિખ ડખાના કારણે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વોટર એટીએમ લાવનાર તોયમ સેફ વૉટર ટેક્નોલોજીસના અનિલ ત્રિવેદીના મતે 29 માર્ચે 4 વોટર એટીએમ ખરીદી માટે ઓર્ડર પારડી પાલિકાએ જીઇએમ સરકારી પોર્ટલ પરથી મળ્યો હતો. એક એટીએમ આપવાની વાત થઇ જ નથી. ચાર એટીએમનો વર્ક ઓર્ડર આપ્યો છે.

પાલિકા તરફથી સામાન ઉતારવા પણ કોઇ આવ્યું ન હતું. બીજી તરફ પારડી પાલિકામાં વોટર એટીએમના વર્કઓર્ડર અને થયેલા ઠરાવ અંગેની ફાઇલ ગુમ છે. જેને શોધખોળ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી વોટર એટીએમનો વિવાદ વકરી રહ્યો છે. પાલિકાના સભ્યો વોટર એટીએમ અંગે અલગ-અલગ નિવેદનો આપી રહ્યાં છે, પરંતુ આ વિવાદ પ્રકરણમાં ફાઇનલ નિર્ણય શું આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. તો બીજી તરફ ભાસ્કરમાં અહેવાલ છપાયા બાદ એવી પણ ચર્ચા શરૂ થઇ છેકે, વોટર એટીએમની ખરીદીમાં મોટુ કૌભાંડ પણ થઇ હોવાની શકયતા છે.

ફાઇલ શોધી રહ્યા છે, સીઓ સાથે ચર્ચા કરાશે
વોટર એટીએમના વર્કઓર્ડર અને થયેલી પ્રક્રિયાની ફાઇલ શોધી રહ્યાં છે. આ બાબતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર સાથે વાતચીત થઇ છે. આ પ્રશ્રનો સારી રીતે ઉકેલ આવે તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યાં છે. હજુ સુધી ફાઇલ નિર્ણય લેવાયો નથી. > હસમુખ રાઠોડ,પ્રમુખ,પારડી પાલિકા

​​​​​​​આધાર પુરાવાના આધારે નિર્ણય લેવાશે
મને પ્રમુખને જાણ કરી છે. કેવી રીતે ખરીદી કરવામાં આવી છે અને તેમાં શુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ નિર્ણય લઇ શકાશે.આજથી રજા પર જઇ રહ્યો છું. હાલ વલસાડ સીઓને ચાર્જ આપ્યો છે. > જીજ્ઞેશ બારોટ,ચીફ ઓફિસર,ઇન્ચાર્જ સીઓ પારડી પાલિકા

અન્ય સમાચારો પણ છે...