વાપીના સલવાવ ગામની એક વાડીમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ગામના સરપંચે દીપડા અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી. જેને લઇ ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યુ હતું. જરૂર લાગશે તો સલવાવની વાડીમાં દીપડાને પકડવા પાંજરુ ગોઠવામાં આવશે. જો કે દીપડાના પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ વધી રહ્યો છે.
વાપીના સલવાવ ગામના દાદરી કાકંરીયા ફળિયામાં શનિવારે બપોરના સમયે દિપકભાઈ પટેલ કરીને યુવાન પોતાની વાડીએ જતા હતાં. આ સમયે બાજુની વાડીમાં એક દીપડો દેખાયો હતો.જેને જોતા જ તેમના હોશ ઉડી ગયા હતાં. તેમણે દીપડા અંગેની જાણ ગ્રામજનોને કરતાં આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સલવાવ પંચાયતના સરપંચ સંજયભાઈ પટેલે ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં વાપી વન અધિકારી ઓફિસના આર.એફ.ઓ અભિજીત રાઠોડ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે જરૂર પડે તો દીપડાને પકડવા માટેનું પાંજરું ગોઠવવામાં આવશે. આમ સલવાવની વાડીમાં દીપડો દેખાતાં હવે સ્થાનિકોમાં ઘરની બહાર નિકળવામાં ડર વધી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.