વાપી નગરપાલિકા દ્વારા 1.08 કરોડના ખર્ચે વર્ષો જુની ક્રિકેટ ક્લબને વિકસાવવાની મંજુરી મળી છે. આ સાથે પાલિકા ઓફિસને લાગુ કુમારશાળાના રમત ગમતના મેદાનને વિકસાવામાં આવશે. 48 લાખના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થશે. આ માટે પાલિકાએ ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે. જેના કારણે વાપી વિસ્તારના ખેલાડીઓને ક્રિકેટ સ્ટેડિયમની સુવિધા મળી રહેશે.પાલિકાના કેટલાક સભ્યો લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યાં છે. તેમની રજૂઆતોનો હવે અંત આવશે.
વાપી વિસ્તારના ખેલાડીઓને ક્રિકેટ મેચની પ્રેક્ટિસ માટે સારા ગ્રાઉન્ડની સુવિધાનો અભાવ છે. કેટલાક સ્થળોએ ખેલાડીઓ પાસે વધુ ભાડુ લેવામાં આવતું હોય છે. જેથી પાલિકાના સભ્ય દિલિપ યાદવે વાપી કુમાર શાળાના ગ્રાઉન્ડમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા રજૂઆત કરી હતી. તાજેતરમાં નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ વાપી પાલિકા ઓફિસ બિલ્ડીંગને લાગુ કુમાર શાળાના રમત ગમત મેદાનને વિકસાવવાની મંજુરી મળી છે. બ્લોક પેવિંગ તથા ગાર્ડન ડેવલોપમેન્ટ સહિત રૂ.4826500 ખર્ચે આ કામગીરી હાથ ધરાશે.
જેનું ટેન્ડર પણ બહાર પડયુ છે. આગામી 6 માસમાં કામગીરી પૂર્ણ થશે. અંદાજે 57 હજાર સ્કવેર મીટરમાં પથરાયેલા મેદાનને વિકસાવી ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે. બીજી તરફ પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય નહાર સહિત પાલિકાના પદાધિકારીઓ દ્વારા પાલિકા ઓફિસ બિલ્ડીંગને લાગુ હયાત ક્રિકેટ ક્લબ નવીનીકરણના કામને મંજુરી આપી દેવામાં આવી છે. 14માં નાણાપંચની 2017-2018ની પરફોર્મન્સ ગ્રાન્ટમાંથી 10856810 ખર્ચે ક્લબને વિકસાવામાં આવશે.
4 માળમાં બે માળ યુવાનો ઉપયોગ કરી શકશે
વર્ષો જુના ક્રિકેટ ક્લબના જર્જરિત બિલ્ડીંગને તોડી નવા 4 માળનું અલગથી બિલ્ડીંગનું નિર્માણ થશે. જેમાં બે માળ પાલિકા કચેરી હસ્તકના રહેશે.જયારે અન્ય બે માળમાં જીમ, ટેબલ ટેનિલ ,કેરમ, ચેસ સહિત વિવિધ રમતોની સુવિધા મળી રહેશે. જેનો વાપી વિસ્તારના યુવાનો ઉપયોગ કરી શકશે. યુવાનોના રમત ગમત માટેની સુવિધાનો અભાવ છે ત્યારે પાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે પાલિકાના પદાધિકારીઓ આ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરે તેવી માગ ખેલાડીઓ કરી રહ્યાં છે.
વાપી વિસ્તારના ખેલાડીઓને ફાયદો થશે
વાપીમાંથી અનેક ખેલાડીઓ રણજી ટ્રોફી સહિત વિવિધ સ્થળોએ પોતાનું કૌશલ્ય દર્શાવી ચુક્યાં છે, પરંતુ ક્રિકેટ સ્ટેડિયમ ન હોવાથી પાલિકામાં રજૂઆત કરી હતી. નાણામંત્રી કનુભાઇ દેસાઇ તથા પાલિકાના પદાધિકારીઓના પ્રયાસોના કારણે આગામી સમયમાં વાપી વિસ્તારના ખેલાડીઓને ક્રિકેટ સ્ટેડિયમ મળશે. પાલિકા દ્વારા પ્રોજેક્ટ હાથ ધરાશે. > દિલિપ યાદવ, કાઉન્સિલર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.