કામગીરી:ચૂંટણી સંદર્ભે વાપીમાં કોમ્બિંગ, 126 રૂમ- 33 ચાલીની તપાસ, 2500 વ્યક્તિઓને સ્થળ દંડ

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 150 CISF સહિત 5 PI, 12 પીએસઆઇ દ્વારા ફ્લેગમાર્ચ કાઢી કામગીરી હાથ ધરાઇ હતી

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇ વાપી વિભાગમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજી અલગ અલગ વિસ્તારમાં આવેલ 126 રૂમોની અને 33 ચાલીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં 2500 વ્યક્તિઓને સ્થળ દંડ, 22 બી-રોલ, 3 એમસીઆર, 1 પ્રોહીબીશન અને 207 મુજબ 9 વ્યક્તિઓ સામે કાર્યવાહીની કામગીરી કરાઇ હતી.

વલસાડ જિલ્લામાં આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 એક ડિસેમ્બરે યોજાનાર છે. જેને ધ્યાને લઇ વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વાપીના સર્કિટ હાઉસથી જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ વાપી શહેર, ડુંગરા, જીઆઇડીસી વિસ્તારમાં જિલ્લા પોલીસ તથા અર્ધ લશ્કરી દળોના અધિકારીઓ તથા જવાનો દ્વારા ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલીંગ તથા એરિયા કોમ્બિંગ કરાયું હતું.

ફ્લેગ માર્ચમાં ગુજરાત પોલીસ સીઆઇએસએફ સ્ક્વોર્ડના જવાનોનો મોટો કાફલો મુખ્ય માર્ગો પર પોલીસના 20 વાહનોમાં વાપી તાલુકા, શહેર અને ઉદ્યોગનગરના રસ્તા ઉપર નીકળ્યો હતો. આ માર્ચમાં વાપી વિભાગના ડીવાયએસપી બી.એન.દવે, એસઓજી પીઆઇ વી.બી.બારડ, વાપી ટાઉન પીઆઇ બી.જે.સરવૈયા, જીઆઇડીસી પીઆઇ વી.જી.ભરવાડ અને ડુંગરા પીઆઇ સી.બી.ચૌધરી તથા 12 પીએસઆઇ, 150 સીઆઇએસએફના જવાનો તેમજ વાપી વિભાગના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.

જે ગાંધી સર્કલ પાસે સર્કિટ હાઉસથી નીકળી કોપરલી ચારરસ્તા, ગુંજન, અંબામાતા મંદિર થઇ છીરી, રાતા અને જીઆઇડીસી વિસ્તારમાં નીકળી હતી. આ કોમ્બિંગમાં જવાનો દ્વારા 126 રૂમોની અને 33 ચાલીઓની તપાસ કરી 2500 વ્યક્તિઓને સ્થળ દંડ, 22 બી-રોલ, 3 એમસીઆર, 1 પ્રોહીબીશન અને 207 મુજબ 9 વ્યક્તિઓ સામે કાર્યવાહીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...