દમણની એક હોટેલના નામે ડુપ્લીકેટ વેબસાઇટ બનાવીને ગ્રાહક પાસેથી રૂમ બુક કરાવી પેમેન્ટ લીધા બાદ છેતરપિંડી કરનારા આરોપીની દમણ પોલીસે હરિયાણાથી ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પોલીસે 4 આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી મેળવી વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.
નાની દમણ પોલીસને 2 નવેમ્બરના રોજ તન્મય અશોકકુમાર મેનુત નામના વ્યક્તિએ ફરિયાદ કરી જણાવેલ કે, જતિન નામના વ્યક્તિએ દેવકા બીચ સ્થિત ગોલ્ડ બીચ રિસોર્ટના નામે ડુપ્લીકેટ વેબસાઇટ બનાવી તેની પાસેથી રૂમ બુક કરાવવા પેમેન્ટની ઉઘરાણી કરી હતી. પાછળથી ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, આ વેબસાઇટ ફેક છે. જેથી આ અંગે કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં કલમ 419, 420, આર/ડબલ્યુ 34 આઇપીસી હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ ગુનામાં પોલીસે તપાસ શરૂ રાખતા અગાઉ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શુક્રવારે આરોપી શકીલ તૈયબ ખાન ઉ.વ.29 રહે.વોર્ડ નં.03, મુગલ મોહલ્લા, મલડ, પલવલ હરિયાણા ને તેના ગામથી પકડી નજીકના પોલીસ મથક ઉત્તાવર હરિયાણા લઇ જઇ ટ્રાંસિસ્ટ રિમાંડ પર નાની દમણ ખાતે લઇ આવી કોર્ટ સમક્ષ રજૂ કરીને પોલીસે 12 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.