પારડી પાલિકાએ શહેરમાં વોટર એટીએમ લાવવા અંગેનો નિર્ણય કર્યો હતો.પ્રથમ તબક્કે એક જ વોટર એટીએમ મંગાવામાં આવ્યું હતું,પરંતુની તેની જગ્યાએ ચાર-ચાર વોટર એટીએમ આવતાં વિવાદના વંટોળ ઊભા થયા છે. પાલિકાએ અમદાવાદની એજન્સીને ત્રણ વોટર એટીએમ પરત લઇ જવા માટે લેટર લખવાની નોબત આવી છે. આ મુદો હાલ ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે.
પારડી પાલિકા વિસ્તારમાં છેલ્લા થોડા સમયમાં એક પણ કામનું ખાતમુર્હુત કે લોકાર્પણ થયું નથી. ગ્રામ્ય વિસ્તાર અને વાપી વિસ્તારમાં સૌથી વધુ કામો ચાલી રહ્યાં છે,ત્યારે પાલિકાએ વોટર એટીએમનો નવતર પ્રયોગ કરવા કારોબારી સભામાં ઠરાવ કર્યો હતો. જેમાં પ્રથમ તબક્કે એક જ વોટર એટીએમ લાવવાનો નિર્ણય કરાયો હતો. 1 વોટર એટીએમની કિંમત 4 લાખ છે.
પરંતુ છેલ્લા થોડા દિવસોથી પારડી ઓડિટોરિયમમાં એકની જગ્યાએ ચાર-ચાર વોટર એટીએમ (રૂ.16 લાખ) લાવવામાં આવતાં વિવાદ ઊભો થયો છે. એકની જગ્યાએ ચાર વોટર એટીએમ આવતાં પાલિકાના સભ્યો પણ ચોંકી ઉઠયા હતાં. વિવાદ વધુ વકરતાં પાલિકાના પદાધિકારીઓએ બાકીના 3 વોટર એટીએમ પરત લઇ જવા અમદાવાદની એજન્સીને લેટર લખવાની ફરજ પડી રહી છે. જો કે વોટર એટીએમનો પ્રયોગ સારો છે, પરંતુ આયોજનપૂર્વક કામગીરી કરવામાં ન આવતાં પ્રથમ તબક્કે પ્રોજેકટમાં વિવાદ ઊભો થયો છે.
વોટર એટીએમ અંગે ફાઇનલ નિર્ણય લેવાશે
ચાર વોટર એટીએમ આવતાં અમે 3 વોટર એટીએમ પરત આપવાનો લેટર લખી દીધો છે.આમ છતાં લોકોની માંગ હશે તો સભ્યોને વિશ્વાસમાં લઇને બાકીના વોટર એટીએમ અંગે વિચારીશું. કારોબારી સભામાં ઠરાવ મુજબ વોટર એટીએમની ખરીદી કરવામાં આવી છે. - હસમુખ રાઠોડ, પ્રમુખ, પારડી પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.