ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરાયું હતું જેમાં સંઘપ્રદેશ દાનહ કેન્દ્રનું 51.90 ટકા પરિણામ આવ્યું હતું. જોકે, દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારી શાળામાં રીઝલ્ટ ધારણાં કરતાં નબળું જ રહ્યું હતું. દાનહ કેન્દ્રમાં સેલવાસની ધ્રુવી કેતનભાઇ પટેલ કે જેમણે 92.17 ટકા માર્કસ મેળવીને સમગ્ર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
સેલવાસની ફાધર એગ્નલો ઇગ્લિંશ સ્કૂલમાં અભ્યાસ કરતી અને ડોકમરડી સ્થિત સાંકેત કોમ્પલેક્સમાં રહેતી ધ્રુવી કેતનભાઇ પટેલે કહ્યું કે, બોર્ડની પરીક્ષા હોવાથી મોબાઇલને એક રીતે તિલાજંલિ જ આપી હતી. આખા વર્ષ દરમિયાન મોબાઇલનો ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત શાળામાં જે અભ્યાસ કરાવવામાં આવતો હતો તેનું ઘરે આવીને રિવિઝન કરતી હતી.
કોઇપણ જાતના ખાનગી ટયુશન વિના અને માત્ર ટેક્સ બુકના વાંચન અને અભ્યાસ થકી જ ધ્રુવી પટેલે સમગ્ર દાનહ કેન્દ્રમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે. ધ્રુવીના પિતા એક કંપનીમાં નોકરી કરે છે જ્યારે માતા ફાલ્ગુનીબેન ગૃહિણી હોવાથી પોતાની પુત્રીના અભ્યાસ ઉપર ધ્યાન આપતી હતી. ભવિષ્યમાં હાયર એજ્યુકેશન કે તબીબી શ્રેત્રમાં અભ્યાસની ખેવના રાખીને માતા-પિતાનું નામ રોશન કરવા માગે છે.
ધોરણ 1થી 9 સુધી પણ પ્રથમ ક્રમાંકે જ રહી
શાળા સંચાલકોના જણાવ્યા મુજબ ધ્રુવી પટેલ પ્રથમ જ ભણવામાં ખૂબ જ હોશિંયાર હતી. શાળામાં ધોરણ 1થી 9 સુધીના અભ્યાસના પરિણામમાં પણ તે કલાસમાં પ્રથમ ક્રમાંક જ મેળવ્યો હતો. આ ઉપરાંત ધ્રુવીએ ક્યારેય પણ ટયુશન લીધું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.