કૃષિ ભાસ્કર:ડાંગરનુ ધરૂ પ્લાસ્ટીક પર તૈયાર કરવાની પધ્ધતિ વિકસાવી

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીલ્લાના ખેડુતો માટે હવે ધરૂના આદરનો ખર્ચ બચશે, કચરામાંથી આવક મળશે

વલસાડ જીલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. આ વિસ્તારમાં ડાંગરનુ ધરૂવાડીયુ બનાવવા માટે ખેડુતો હજારો ટન પાક અવશેષો જેમકે વનસ્પતિની ડાળીઓ, પાન વગેરે ની સાથે હજારો ટન ગાયનુ છાણ જમીન પર સળગાવીને આદર કરે છે. જેના કારણે જમીનની અંદર રહેલા લાભકારક જીવાણુઓનો નાશ થાય છે, સેન્દ્રિય તત્વ(ઓર્ગેનિક કાર્બન) બળી જાય છે અને ઘણાં બધા પાકને જરૂરી તત્વો વરાળ બનીને નાશ પામે છે. જેથી ડાંગરનુ ધરૂ પીળુ અને નબળુ બને છે અથવા ધરૂવાડિયુ નિષ્ફળ જાય છે.

જેથી ખેડુત પાક સુધારવા વધુ રાસાયણિક ખાતરો વાપરે છે જેના કારણે ખેડુતને આર્થિક નુકશાન જાય છે, ડાંગર ધરૂવાડીયાની ચીલાચાલુ પધ્ધતિના વિકલ્પ તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીના જમીન વૈજ્ઞાનિકશ્રી લલિત કપુરે, ખેડુતોને ઓછા વિસ્તારમાં ઓછા ખર્ચે ઓછા સમયગાળામાં ડાંગરનુ તંદુરસ્ત ધરૂ પ્લાસ્ટીક પર તૈયાર કરવાની મોડિફાઇડ ડેપોગ પધ્ધતિ ના અખતરા વલસાડ જીલ્લાના આસ્મા, અરણાઇ, કાકડકોપર, અંભેટી અને વલસાડ તાલુકાના ઓઝર ગામે ગોઠવેલ અને જે પાક અવશેષો અને છાણ સળગાવતાં હતાં તેમાંથી વેસ્ટ ડિકંપોઝર જીવાણઓ અને અળસિયા દ્વારા પોષકતત્વો સભર સેન્દ્રિય ખાતર બનાવવા માટે પ્રયત્નો કરેલ.

જેના પરિણામ થકી કાકડકોપરના રસિકભાઇ થોરાત, રણજીતભાઇ થોરાત, ગીતાબેન અને કુંતાબેન થોરાત, ઓઝર ગામના હિનાબેન અને તેમની સાથેના 10 બહેનોનુ ગ્રુપ ડાંગરના સારા ઉત્પાદનમાંથી સારી આવકની સાથે વધેલા પાક અવશેષો અને છાણમાંથી વર્ષે સરેરાશ 2500 કિલો વર્મીકંપોસ્ટ, 100 કિલો અળસિયા અને 1500 કિલો સેન્દ્રિય ખાતર ઘર આંગણે બનાવે છે. તેમાંથી 10 થી 15 હજાર રૂપિયાની વધારાની આવક મેળવી તેઓ સેન્દ્રિય ખાતરમાં આત્મનિર્ભર બન્યા છે.

ખેરલાવ ગામના રાકેશભાઇ અને સરોંડા ગામના પ્રકાશભાઇ ભંડારી પણ આ દિશામાં આગળ વધીને વર્મીકંપોસ્ટ ખાતર બનાવી વધુ આવક મેળવતાં થયા છે. જે જીલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. જે પાક અવશેષો અને છાણ સળગાવતાં હતાં તેમાંથી અત્યારે વર્મીકંપોસ્ટ અને સેન્દ્રિય ખાતર બનાવી તેમણે અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થકી આર્થિક સધ્ધરતા અને આત્મનિર્ભરતા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...