એક જ સંઘપ્રદેશમાં બે ભાવો:એક જ પ્રશાસન છતાં દમણથી સેલવાસમાં CNGનો 10 રૂપિયા વધુ ભાવ, વાપીમાં દોઢ ગણું વધુ વેચાણ

વાપીએક મહિનો પહેલાલેખક: યોગેન્દ્ર પટેલ
  • કૉપી લિંક
  • દમણમાં વેટ 12% ભાવ 82 રૂપિયા , દાનહમાં વેટ 20% ભાવ 92 રૂપિયા
  • સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ મર્જર થયાના ત્રણ વર્ષ પછી પણ 8 ટકા વેટની ટકાવારીમાં તફાવત હજી યથાવત રહ્યો

પેટ્રોલ-ડિઝલ અને રાંધણગેસના ભાવોમાં સતત વધારાને લઇને ચર્ચાનો વિષય બન્યો છે, સતત વધતી મોંધવારી વચ્ચે સામાન્ય માણસ પીંસાય રહ્યો છે એવા સંજોગમાં સંઘપ્રદેશ દાનહના રહીશોને પડતાં ઉપર પાટું જેવી સ્થિતિ ભોગવવી પડી રહી છે. કેન્દ્ર સરકારે ત્રણેય સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને વહીવટી સરળતા ખાતર મર્જ કરી દીધા છે. જોકે, ત્રણેય પ્રદેશના એકત્રીકરણનો દાનહ પ્રદેશવાસીઓને ફાયદો થઇ રહ્યો નથી. દમણ અને દાનહ એક જ સંઘપ્રદેશ અને પ્રશાસનમાં આવતું હોવા છતાં સીએનજીના ભાવોમાં 10 રૂપિયાનો મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

દાનહમાં સીએનજી ઉપર 20 ટકા જ્યારે દમણમાં માત્ર 12 ટકા જ વેટ હોવાથી દાનહ પ્રદેશની જનતાએ પ્રતિકિલો સીએનજીએ 10 રૂપિયા વધારે ચુકવવા પડી રહ્યા છે. સંઘપ્રદેશ દાનહમાં 6 જેટલા સીએનજી પમ્પો આવેલા છે. જોકે, પ્રતિ કિલો 10 રૂપિયા વધારે હોવાથી તેમનું વેચાણમાં પણ ઘટાડો છે.

દાનહના વાહન ચાલકોએ ના છૂટકે 10 રૂપિયા બચાવવા માટે વાપી હાઇવે સ્થિત પમ્પ ઉપર ભરાવવા માટે આવવું પડે છે. સીએનજી પમ્પના સંચાલકોએ આ મુદ્દે અગાઉ પ્રશાસનમાં રજૂઆત કરી હોવા છતાં પણ હજી સુધી સીએનજી ઉપર દમણથી 8 ટકા વધુનો વેટ વસુલાય છે તે ઘટાડો કર્યો નથી. દાનહ પ્રદેશમાં આવેલી પ્રજા એવી માગ કરી રહી છેકે, 12 કિમી દૂર આવેલા વાપીમાં સીએનજી પ્રતિકિલો 82 રૂપિયે મળે છે જે દાનહમાં 92 રૂપિયા ચુકવવા માટે મજબૂર છે. સંઘપ્રદેશ પ્રશાસન આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરીને દમણ અને વાપીમાં જે ભાવે સીએનજીનું વેચાણ થાય છે એ ભાવે અહિં પણ મળે એવું ઇચ્છી રહ્યા છે.

દાનહના દરરોજ માત્ર 1 હજાર જ્યારે વાપીમાં અઢી હજાર કિલો ગેસનું વેચાણ
વાપી અને દમણ કરતા સીએનજીના ભાવમાં 10 રૂપિયાનો તફાવત હોવાથી દાનહના મોટાભાગના વાહન ચાલકો રૂપિયાની બચત કરાવતા વાપી હાઇવે અથવા ગુજરાતની બોર્ડર ઉપર આવેલા સીએનજી પંપ ઉપર ગેસ પુરાવતા હોય છે. દાનહમાં દાદરા, અથાલ, ખાનવેલ, રખોલી અને સેલવાસ શહેર સહિત 6 જેટલા સીએનજી પંપ આવેલા છે. આ પમ્પો ઉપર પ્રતિદિન માત્ર 1 હજાર કિલો ગેસનું વેચાણ થાય છે, જ્યારે વાપી હાઇવેના પમ્પ ઉપર પ્રતિદિન અઢીથી ત્રણ હજાર કિલોનું વેચાણ થઇ રહ્યું છે. વાહનચાલકોની સાથે પંપ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

શાળાની બસ-વાન અને રીક્ષાચાલકોને મોટો ફટકો
દાનહમાં ભાવ વધુ હોવાથી રીક્ષા ચાલકો અને શાળાની વર્દી મારતી બસ અને વાનને સીએનજી મોંધુ મળતા તેમને આર્થિક ફટકો પડી રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવો વધતા લોકો સીએનજી વ્હીકલ્સની વધારે પસંદગી કરતા હોય છે એ સંજોગમાં સંઘપ્રદેશમાં કિલો દીઠ 10 રૂપિયા વધુ લેવાતા હાલત કફોડી બની છે.

મજબૂરીમાં ગેસ પુરાવવા વાપી સુધી લંબાવવું પડે છે
કંપની તથા અન્ય કામો માટે જવુ઼ં પડતું હોય છે જેથી દરરોજ એવરેજ ચારથી પાંચ કિલો ગેસનો વપરાશ થતો હોય છે. આ સંજોગમાં જો સેલવાસમાં જ ગેસ પુરાવ્યે તો મહિને ત્રણથી ચાર હજારનો ફટકો પડે છે. જેથી મજબૂરીમાં સીએનજી પુરાવવા માટે વાપી લંબાવવું પડતું હોય છે. > કૃણાલસિંહ સોલંકી, કાર ચાલક, સેલવાસ

અન્ય સમાચારો પણ છે...