વાપીમાં પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 69 ટકા પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવાનો દાવો કર્યો છે,પરંતુ જે ટાઇપ નવા અંડરબ્રિજ, ગોદાલનગર,ચીકુવાડી વિસ્તારમાં માત્ર સામાન્ય ગટર,નાળાની સાફ સફાઇ કરી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી અહી વરસાદી પાણી ભરાશે જ નિશ્રિત છે. 35થી 40 લાખ પ્રિમોન્સુન કામગીરી પાછળ ખર્ચવા છતાં પણ દર વર્ષે આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની ફરિયાદો આવી રહી છે.
વાપી પાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીના એકશન પ્લાન મુજબ ગટરો,નાળાઓની સાફ સફાઇ કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રૂટિન કામગીરી કરવામાં આવી રહી છે. પરિણામે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ર યથાવત જ રહેશે. આ વખતે વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે કોઇ વિશેષ કામગીરી કરવામાં આવી નથી. જેથી વાપી જે ટાઇપ નવા અંડરબ્રિજ, ગોદાલ નગર વિસ્તારમાં સામાન્ય કામગીરી કરવામાં આવી છે.
જેથી અહી ચોમાસામાં વરસાદી પાણી ભરાશે તે નિશ્રિત છે. દર વર્ષે પાલિકા પ્રિમોન્સુન કામગીરી પાછળ 35થી 40 લાખનું આંધણ મુકે છે.આમ છતાં વરસાદી પાણી ભરાવવાની વ્યાપક ફરિયાદો દર વર્ષે આવી રહી છે. પાલિકાના પદાધિકારીઓના મતે 69 ટકા પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ થઇ ચુકી હોવાનો દાવો કર્યોે છે. સામાન્ય ગટર અને નાળાની સફાઇના કારણે વરસાદી પાણીના ભરાવાથી શહેરીજનોએ હાલાકી ભોગવવા તૈયાર રહેવું પડશે.જયાં જયા દર વર્ષે વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યાં વિશેષ કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે. શાસકો આ પ્રશ્રને ગંભીરતાથી લે તે જરૂરી છે.
ગોવિદા કોમ્પલેક્ષ ગટરની સફાઇ કરવામાં આવી નથી
વાપી જીઆઇડીસી ચાર રસ્તા ગોવિંદા કોમ્પલેક્ષથી સરકીટ હાઉસ તરફથી ગટરની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ સાથે હાઇવે સર્વિસ રોડ પરની ગટરો ખુલ્લી છે. સફાઇ કામગીરી કે મરામત કામગીરી સુધ્ધા કરાવામાં આવી નથી. પરિણામે વાપી હાઇવે સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો થશે.પાલિકા અને નેશનલ હાઇવે ઓથોરોટીના સંકલનના અભાવે શહેરીજનોએ હાલાકી ભોગવવી પડે છે.
વરસાદની તૈયારી છતાં હજુ પણ 30 ટકા કામગીરી અધુરી
પાલિકા વિસ્તારમાં ચાલી રહેલી પ્રિમોન્સુન કામગીરીમાં માત્રને માત્ર વેઠ ઉતારવામાં આવી છે. કારણ કે કેટલાક સ્થળોએ ગટરોની સફાઇ બાદ કાદવ ત્યાં જ નાખી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે ચોમાસાની તૈયારી છે. આમ છતાં 31 ટકા કામગીરી બાકી છે. દરેક વોર્ડમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવાનો પાલિકાના માથે પડકાર રહેશે.
પ્રિમોન્સુન કામગીરી પહેલા સંકલન બેઠક જરૂરી
વાપીના જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે વરસાદી પાણી ભરાય ત્યારે પાલિકા, પીડીબલ્યુડી, હાઇવે ઓથોરોટી અને જીઆઇડીસી એક-બીજા પર દોષનો ટોપલો ઢોળે છે,જેથી પ્રિમોન્સૂન પહેલા સંબંધિત વિભાગોની સંકલન બેઠક થવી જોઇએ. વાપી ગુંજન ગેલેકસી આગળ હાઇવેની ગટરો જામ છે. વાપી ચાર રસ્તાથી બલીઠા સુધી હાઇવેની ગટરોની સફાઇની કામગીરી થવી જરૂરી છે. દરેક સભ્યોને સાથે રાખી એકશન પ્લાન બનાવવો જરૂરી છે.
ગોદાલનગરમાં વરસાદી ઝાપટામાં જ નગરપાલિકાની પોલ ખુલ્લી પડી ગઇ
વાપી -સેલવાસ રોડ સ્થિત ગોદાલ નગરમાં વરસાદી ઝાપટામાં પાણીનો ભરાવો થઇ ગયો હતો. જેથી અહી પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ સામાન્ય વરસાદમાં જ ખુલ્લી પડી ગઇ હતી. હજુ પણ અહી વરસાદી પાણીના ભરાવાનો નિકાલ કરવામાં આવ્યો નથી. પાલિકા આ કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે.
એક સાથે વરસાદ પડે ત્યારે કોઇ વિકલ્પ રહેતો નથી
વાપી જે ટાઇપ નવા અંડરબ્રિજ પાસે નીચો વિસ્તાર છે. જેના કારણે એક સાથે વરસાદ આવે ત્યારે કોઇ વિકલ્પ રહેતો નથી. ગોદાલ નગર પાસે વરસાદી ગટર બનાવી છે. આ વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરી કરાઇ છે. 15 જુન સુધી તમામ વિસ્તારને આવરી લેવાશે. - ચેતન પરમાર, સેનેટરી ઇન્સ્પેકટર,વાપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.