રજૂઆત:ચંડોરના વોર્ડ નં.1થી 4ના મતદારો માટે મતદાન કેન્દ્ર બદલવા માગ

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેખિતમાં રજૂઆત કરી, રહીશોને 4 કિ.મી.નું અંતર લાગે છે

વાપીના ચંડોર પંચાયતના વોર્ડ નં.1થી 4નું મતદાન કેન્દ્રમાં ફેરફાર કરવા કલેકટરને લેખિત રજૂઆત થઇ છે. વર્તમાન મતદાન કેન્દ્રમાં વ્યવસ્થાનો અભાવ તથા સ્થાનિક રહીશોને 4 કિ.મી.નું અંતર હોવાનું જણાવામાં આવ્યું છે. વાપી તાલુકાના ચંડોર ભંડારવાડમાં રહેતાં મનિષભાઇ ડાહ્યાભાઇ ભંડારીએ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે હાલમાં 2021ની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ચંડોર ગ્રામ પંચાયત હદમાં વોર્ડ નં. 1,2,3 અને 4ના મતદાન કેન્દ્ર ચંડોર પ્રાથમિક શાળા કોળીવાડ ખાતે વ્યવસ્થા કરવામાં આવે છે.

આ મતદાન કેન્દ્ર ચંડોરના વોર્ડ નં. 1થી 4ના રહીશો માટે લગભગ 4 કિ.મી.નું અંતર થાય છે. આ મતદાન કેન્દ્ર જર્જરિત હાલતમાં છે. લાઇટ,પાણી તથા શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી વોર્ડ નં. 1થી 4ના મતદાતાઓને ઘણી તકલીફ રહેતી આવેલી છે. જેથી મતદાન કેન્દ્રનું સ્થળ બદલવું ઘણું જ જરૂરી છે. વોર્ડ નં.1થી4નુ મતદાન કેન્દ્ર ચંડોર પ્રાથમિક શાળા કોળીવાડના બદલે મતદાન કેન્દ્ર સરકારી માધ્યમિક શાળા નામધા 19 નંબરની ચોકી પાસે ચંડોર કસ્ટમ રોડ ખાતે આયોજન કરવામાં આવે તો સ્થાનિકોને વ્યવસ્થાવાળુ મતદાન કેન્દ્ર મળી શકે તેમ છે.

આ રજૂઆતને ધ્યાને લેવા અરજદારે માગ કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અહીંના સ્થાનિક મતદારોએ ભારે હેરાનગતી ભોગવવી પડતી હોય વારંવાર ચૂંટણી વિભાગને ફરિયાદો કરી છે. પરંતુ હજુ સુધી તેનો કોઇ નિકાલ આવ્યો નથી. આગામી ગ્રામ પંચાયતોની ચંૂટણી ડિસેમ્બરમાં યોજાવાની હોય તે પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી આ બાબતે જેતે તલાટીને બોલાવી પરિસ્થિતિનો તાગ મેળવી મતદાન કેન્દ્ર બદલે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...