BCCI દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ઈન્ટર સ્ટેટ વન ડે મેન અંડર 25 ક્રિકેટ ટુર્નામેન્ટ 20 નવેમ્બર 2022થી શરૂ થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ માટે દમણના ક્રિકેટર હેમાંગ પટેલ ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરશે. હેમાંગના કોચ ભગુ પટેલે જણાવ્યું હતું કે, હેમાંગ એક સારો ઓલરાઉન્ડર ખેલાડી છે. અને તે ગમે ત્યારે બેટિંગ કે બોલિંગમાં સારું પ્રદર્શન કરીને મેચનો પલટો ફેરવી શકે છે. આગળ ભગુ પટેલે જણાવ્યું કે હેમાંગ પટેલ ગુજરાત તરફથી અંડર 14, 16, 19, 23, 25 સૈયદ મુસ્તાક અલી ટી-20 અને વિજય હજારે વન-ડે મેચ રમી ચુક્યા છે.
જેના કારણે ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિએશને ફરી એકવાર હેમાંગ પટેલની અંડર 25 ઓડીઆઈ સ્પર્ધા માટે પસંદગી કરી છે. અને તે હેમાંગ પટેલ ઉપર મુકવામાં આવેલા વિશ્વાસ પર ખરા ઉતરશે અને ગુજરાતની ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપશે. હેમાંગની પસંદગી પર સંઘપ્રદેશ દાનહ અને દમણ પ્રશાસનના રમતગમત સચિવ અંકિતા આનંદ, રમતગમત નિયામક અરુણ ગુપ્તા, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી અક્ષય કોટલવાર, તાલુકા રમતગમત સંયોજક દેવરાજસિંહ રાઠોડ અને ક્રિકેટ કોચ ભગુ પટેલે અભિનંદન પાઠવ્યા છે અને સારું પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધારશે તેવી શુભેચ્છા પાઠવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.