જીપીસીબીને ફરિયાદ:વાપીના CETPમાંથી ફિલ્ટર વિના દૂષિત પાણી નદીમાં છોડાયાની રાવ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GPCBની ટીમે આઉટ ફ્લોમાંથી સેમ્પલ લઇ તપાસ

ઉદ્યોગકારો પાસેથી 10 કરોડ રૂપિયાના ઉઘરાણાનો મુદ્દો હજી શાંત થયો નથી ત્યાં ચંડોરના સરપંચે વાપી સીઇટીપી દ્વારા સીધેસીધું પાણી નદીમાં ઠાલવી રહ્યું હોવાની ફરિયાદ જીપીસીબીને કરી હતી. સોમવારે જીપીસીબીની ટીમ આઉટ ફલો ઉપર પહોંચીને પાણીના સેમ્પલ લઇ તપાસ હાથ ધરી છે.

દમણગંગા નદીમાં રવિવારે ચંડોર ગામ અને વાપીના ભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગયા હતાં. જોકે, નદીમાં મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત કલરવાળું પાણી જોવા મળતા આક્રોશ ફેલાયો હતો. તપાસમાં આ પાણી વાપીના ઉદ્યોગો માટે બનાવેલ CETPના નાળામાંથી આવતું હોવાનું જણાયું હતું. ગ્રામ લોકો અને ચંડોરગામના સરપંચ રણજીત પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે, પાણી CETPમાં ફિલ્ટર કર્યા વિના જ ઉદ્યોગોમાંથી આવેલું કેમિકલયુક્ત પાણી બારોબર વરસાદી પાણીની આડમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

સોમવારે જીપીસીબીની ટીમ સીઇટીપીના આઉટલેટ ઉપર પહોંચી અને નદીમાં પાણીના સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત વરસાદી માહોલમાં કેટલીક કંપનીઓ દ્વારા હવામાં ગેસ પણ છોડી દેવાતો હોવાની ફરિયાદ અગાઉ ઉઠી હતી. ગ્રામજનોની ફરિયાદ બાદ ફરી એક વખત CETPની કાર્યશૈલી સામે સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...