સ્થાનિકોમાં આક્રોશ:દાદરાથી દુષિત પાણી કરવડમાં આવતાં તંત્રને ફરિયાદ

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતની દુષિત પાણી બંધ ન કરાઇ તો કુદરતી વહેણો બંધ કરવાની ચિમકી

વાપીના કરવડ ગલી ફળિયામાં દાદરાથી કુદરતી વહેણમાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી આવતાં સ્થાનિકોમાં આક્રોશ વધી રહ્યો છે. પંચાયતના હોદેદારોએ વાપી જીપીસીબી અને સંઘપ્રદેશનના પ્રશાસનને જાણ કરી હતી. દાદરાથી દુષિત પાણી બંધ ન થાય તો દાદરા તરફના કુદરતી વહેણ બંધ કરવાની ચિમકી પણ કરવડ પંચાયતના હોદેદારોએ ઉચ્ચારી છે.સંઘપ્રદેશનના દાદરાના ઔદ્યોગિક એકમોનું દુષિત પાણી કરવડમાં આવતાં સરપંચ દેવેન્દ્ર પટેલ, ઉપસરપંચ સુભાષ પટેલ સહિતની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ કરવડ પંચાયતે જીપીસીબી અને સંઘપ્રદેશના પ્રશાસનને જાણ કરી હતી.

કરવડ ગ્રામ પંચાયતે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે સંઘપ્રદેશના દાદરા અવે વાપીના કરવડ ગામની હદ ઘણી લાંબે સુધી જોડાયેલી છે. આ હદ વિસ્તારમાં ત્રણથી ચાર જગ્યાઓમાં વરસાદી પાણીના નિકાલના કુદરતી વહેણો આવેલાં છે.આ પાણી વર્ષોથી દાદરા ગામમાંથી પ્રવેશી રાતાખાડીમાં પડે છે. હાલમાં વરસાદ બંધ હોવાથી આ વહેણમાં કુદરતી પાણી આવતુ બંધ થઇ ગયુ છે.

પરંતુ દાદરા વિસ્તાર ઇન્ડસ્ટ્રિયલ છે. અહી રહેણાંક વિસ્તાર વધી ગયો છે. આ ઇન્ડસ્ટ્રીયલ અને રહેણાંક વિસ્તારમાંથી દુર્ગંધ મારતુ દુષિત પાણી આ કુદરતી વહેણોમાં પડી કરવડ ગામમાં આવે છે. ગામના રહેણાંક ગલી ખાડીમાં પડતાં આજુબાજુના લોકોને અસર કરે છે. આ પાણી એટલી ખરાબ દુર્ગંધ મારે છે કે લોકોને શ્વાસ પણ તકલીફ થાય છે. આ દુર્ગંધ યુક્ત પાણી બંધ ન થાય તો તમામ કુદરતી વહેણો બંધ કરવાની ચિમકી કરવડ પંચાયતે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...