વાપી ટાંકીફળિયામાં રહેતા યુવકે બે વર્ષ અગાઉ નાનાપોંઢા સ્થિત એક ક્વોરી ચલાવતા વેપારીને રૂ.1.25 લાખના સીસીટીવી કેમેરા વેચ્યા હતા. કેમેરો લાગ્યા બાદ રૂપિયાની ચુકવણી કરીશ તેમ કહેવા બાદ અત્યાર સુધી માત્ર રૂ.42,237 ચુકવી બાકીના રૂપિયા ન આપી ધમકી આપતા વેપારી સામે કલેક્ટરથી લઇ નાનાપોંઢા અને વાપી પોલીસમાં ફરિયાદ કરાઇ છે.
વાપી ટાંકીફળિયા સ્થિત એવરશાઇન ટાવરમાં રહેતા અને હર્ષ એન્ટરપ્રાઇઝના નામે સીસીટીવી કેમેરા સેલ્સ એન્ડ સર્વિસનું કામકાજ કરતા અજય ચતુર્વેદીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી જણાવેલ કે, જયેશ બાબુભાઇ ઠાકુર રહે.જય ઇન્ટરનેશનલ વાપી નાનાપોંઢા ખાતે ક્વોરી ધરાવે છે અને ફરિયાદી પાસેથી રૂ.1.25 લાખની કિંમતના સીસીટીવી કેમેરા 14-11-2018ના રોજ ખરીદ કરી કેમેરાનું કામ પુર્ણ થયા બાદ પેમેન્ટ ચુકવવા જણાવાયું હતું.
જોકે કામ પુર્ણ થયા બાદ નાણાની માંગણી કરતા રૂ.42,237 ચુકવ્યા બાદ બાકીના નીકળતા રૂપિયા માંગતા સામાવાળાએ ધમકી આપી જણાવેલ કે, થોડા દિવસ આરામથી ફરી લો કારણકે તમારી ઉઘરાણીથી કંટાળી ગયો છું અને મારે તમારો રસ્તો કરવો પડશે તેમ કહી જાનથી મારવાની ધમકી આપતા અજયએ અવારનવાર પોલીસમાં લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. અંતે આ અંગે કલેક્ટરને ફરિયાદ કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ આ કેસમાં પોલીસ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકને લેખિતમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.